મોરબીમાં તબીબના મકાનમાંથી રૂા.4.35 લાખની ચોરી કરનાર તસ્કરોને શોધવા તપાસનો ધમધમાટ
મોરબી શહેરમા સીટી એ ડિવિઝન પોલીસ મથકની તદ્દન નજીક આવેલા વાઘપરા વિસ્તારમાં લીમડી પ્રસંગમાં ગયેલા દાંતના ડોકટરના બંધ પડેલા મકાનમાં ગઈકાલે વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ડોકટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 2.90 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત 4.35 લાખની માલમતા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબી શહેરમાં ઉમિયા સર્કલ પાસે હેપી ડેન્ટલ ક્લિનિક ધરાવતા અને વાઘપરા શેરી નંબર 8માં રહેતા દાંતના ડોકટર રવિભાઈ મોરારજીભાઈ કણઝારીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ એક દિવસ માટે લીમડી પ્રસંગમાં ગયા હતા ત્યારે બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરના તાળા તોડી કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂૂપિયા 2.90 લાખ તેમજ 1.45 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા પાડોશીએ તેમને જાણ કરતા ચોરી થયાનું માલુમ થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્યાં ચોરી થઈ છે તે ડોક્ટરનું મકાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકથી ફક્ત 500 મીટરના અંતરે આવેલું હોવા છતાં તસ્કરે પોલીસને પડકાર ફેંકી વહેલી સવારમાં બંધ મકાનને નિશાન બનાવી 4.35 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસે ડો.રવિની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.