જેતપુરમાં સગીરાએ ત્યજેલા ભ્રુણની તપાસમાં દેહવ્યાપારના રેકેટનો ઘટસ્ફોટ
પ્રથમ આરોપી સાથે ભ્રુણનો રિપોર્ટ મેચ ન થતા સમગ્ર હકીકત બહાર આવી: દેહવ્યાપાર કરાવનાર સૂત્રધાર સહિત નવ શખ્સોની સંડોવણી ખુલી: ગર્ભપાતની દવા આપનાર ડોક્ટર સહિત બે ઝડપાયા
જેતપુર શહેરમાંથી પાંચ મહિના પૂર્વે સાતેક મહિનાનું મૃત માનવ ભૃણ મળ્યું હતું. સામાન્ય લાગતા આ બનાવમાં પોલીસ તપાસમાં ભોગ બનનાર તરૂૂણી પાસે તે જેની સાથે કેટરીંગનાં કામ પર જતી હતી, તે શખ્સ દોઢ વર્ષથી દેહવેપાર કરાવતો હોવાનું મસમોટું સેક્સ રેકેટ ખુલ્યું છે. જેમાં તેણીને ગર્ભ રહી જતાં દેહવ્યાપારનું ગંભીર રેકેટ પ્રકાશમાં આવ્યું છે, જેમાં સુત્રધાર કેટરર્સ સંચાલક ઉપરાંત ગર્ભપાતની દવા આપનાર ડોક્ટર અને મેડિકલ સ્ટોર સંચાલક સહિત નવ શખ્સોનાં કારનામા બહાર આવ્યા છે. જ્યારે અન્ય સાગરીતોનાં નામ મળવાથી પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વિગત પ્રમાણે, જેતપુર શહેરમાં ગત તા.30 જાન્યુઆરીના રોજ એક મૃત માનવ ભૃણ મળી આવ્યું હતું. જે બાબતમાં પોલીસે ગણતરીની કલાકોમાં ભૃણને ત્યજનાર માતાને શોધી લીધી હતી. જે સગીર વયની હોવાથી તેણીના પિતાની ફરીયાદ પરથી પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને જેતલસર જંકશન ગામના કાના મકવાણા નામના શખ્સની ધરપકડ કરી હતી. બાદમાં મૃત ભૃણ, સગીરા તેમજ આરોપી કાનાનું ડીએનએનું સેમ્પલ પૃથક્કરણ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. બીજી તરફ સગીરાને તપાસીને ગર્ભપાતની દવા લખી આપનાર ડો. સુશીલ ગોવિંદભાઈ કાનાણી તેમજ ગર્ભપાતની દવા આપનાર વિરડીયા મેડિકલ સ્ટોરના સંચાલક હરેશ કેશુભાઈ વિરડીયા ધરપકડ કરી હતી.
બીજી બાજુ ગાંધીનગરથી ડીએનએ રીપોર્ટ આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. તે રીપોર્ટમાં ભૃણ સાથે સગીરાનું ડીએનએ મેચ થઈ ગયું, જયારે કાનાનું ડીએનએ મેચ થયું નહીં. જેથી ભૃણનો બાયોલોજીકલ પિતા કોણ ? તે જાણવા પોલીસે સગીરાનું ફરીથી નિવેદન લેતા ઘટસ્ફોટ કર્યો કે, છેલ્લા દોઢેક વર્ષથી જેતપુરનાં લાદી રોડ પર રહેતા અખ્તર ઓસમાણ ડબગર સાથે કેટરસના કામે જતી હતી, જે શખ્સ તેણીને અને અન્ય એક સગીરાને દેહવેપાર માટે જુદા-જુદા લોકો પાસે જુદી-જુદી જગ્યાએ મોકલતો અને પોતે પણ બંને સાથે શરીર સબંધ બાંધતો હતો. જેથી પોલીસે કોર્ટમાં રીપોર્ટ કરીને ગત તા.12ના રોજ અખ્તરની પણ ધરપકડ કરીને સાત દિવસનાં રિમાન્ડ પર લીધો હતો. તેની પૂછપરછમાં ગુનો સ્વીકારીને દેહવ્યાપાર કરાવતી અન્ય એક મહિલા મારફત પણ બંને સગીરાને ગ્રાહકો પાસે મોકલતો હોવાનું કબુલ્યું હતું.
આ સાથે બન્ને સગીરાઓને કોની-કોની પાસે દેહવેપાર માટે મોકલતો તેવી પુછપરછમાં ભાવિક ઉર્ફે ભાવેશ ભુપતભાઈ મેણીયા, હિરજી ઉર્ફે હિરા નાગજી પાઘડાર, વસંતગીરી હંસગીરી ગોસાઈ (રહે.જેતપુર), સાગર બાબુ ઝાલા (રહે. ઉમરકોટ), શૈલેશ મેરામણ લખપીર (રહે. સરધારપુર) એમ પાંચ શખ્સોના પોલીસને નામ આપ્યા હતા.
આ સાથે પોલીસે ત્રણ ડઝનથી વધારે શકમંદોની પુછતાછ કરીને ધરપકડનો દોર આગળ ધપાવ્યો છે. મુખ્ય આરોપી અખ્તરના રીમાન્ડ દરમિયાન બીજા કેટલાક શખ્સોના નામ પણ પોલીસને આપ્યા છે અને તે શખ્સોની ધરપકડ કરવાની બાકી છે.
બીજી સગીર છે કે નહીં એ જાણવા મેડિકલ ટેસ્ટ કરાવવો પડયો
જેતપુર સીટી પીઆઈ વી.સી. પરમારે જણાવ્યું કે,મુખ્ય સુત્રધાર અખ્તર ઓસમાણ ડબગરની ચુંગાલમાં ફસાયેલી સગીરાએ તેણી સાથે અન્ય એક તરૂૂણી પણ ભોગ બની હોવાનું પોલીસને જણાવ્યું હતું, જેથી પોલીસે શોધખોળ કરીને ખાનગીરાહે બીજી સગીરાના માતા-પિતાનો સંપર્ક કરીને તેણીની ઉંમરનો પુરાવો માંગ્યો હતો. જેમાં એક માત્ર આધારકાર્ડ જ મળ્યું હતું. જેમાં સગીરાની 15 વર્ષની ઉંમર બતાવી હતી. જેથી તેણીની વાસ્તવિક ઉંમર જાણવા પોલીસે તેણીનો ઓસીફિકેશન ટેસ્ટ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી હતી. જેમાં તેણીની ઉંમર 19 વર્ષની આવી હતી. જો કે, તેઓએ પોલીસ કેસમાં પડવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે.