ઉનામાં નકલી સાધુએ આધેડને હિપ્નોટાઈઝ કરી દાગીના લૂંટી ફરાર
ગીર સોમનાથના ઉનામાં ધોળે દહાડે આસ્થાના નામે રાહદારીઓને ટાર્ગેટ કરીને અંજામ આપતી મોડ્સ ઓપરેન્ડી જાણીને ચોંકી જવાની ઘટના સામે આવી છે. શહેરમાં એક આઘેડને નકલી સાધુનો વેશ ધારણ કરી હિપ્નોટાઈઝ કરીને સોનાના દાગીના લઈ ત્રણ અજાણ્યા શખ્સો ફરાર થયા છે.
સોમવારે શહેરના વેરાવળ રોડ પર આવેલ જલારામ પાર્ક સોસાયટીમાં જેસિંગભાઈ પુંજાભાઈ જોગદીયા પોતાની દિકરીને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહ્યાં હતા. તે સમયે તેમની પાછળ આવેલી કારના ચાલકે શિવ આશ્રમનું સરનામું પૂછવાના બહાને તેની સાથે વાતચીત કરી હતી. જેસિંગભાઈને સરનામું ખબર ન હોવાથી કારના ડ્રાઈવરે કારમાં પાછળ બેસેલા ચમત્કારિક સંતના દર્શન કરવા કહ્યું હતું. જે બાદ ગાડીમાં બેઠેલા નકલી સાધુએ આધેડને આશીર્વાદ આપવાના બહાને માથે હાથ મૂકીને જાણે હિપ્નોટાઈઝ કર્યા હતા? ભાન ભૂલેલી અવસ્થામાં તેમની પાસેથી સોનાની ચેન તેમજ વીંટી સહિતના અંદાજિત બે લાખના દાગીના લઈને ત્રણ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. આ અંગે જેસિંગભાઈ પુંજાભાઈ જોગદીયાએ પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
આમ હવે લોકોએ આવા આસ્થા અને શ્રદ્ધાના બહાને વિશ્વાસ કેળવીને નજર ચૂકવીને અંજામ આપતા નકલી સાધુથી ચેતવાની ખાસ જરૂર છે.