રેલવેની પાર્સલ ઓફિસમાં કર્મચારીનો તલવાર સાથે આતંક, મજૂરે ઢીબી નાખ્યો
રાજકોટના રેલવે સ્ટેશન પર આવેલ રેલવેની પાર્સલ ઓફિસમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનાર રેલવે કર્મચારીને મજુરે ઢીબી નાખ્યો હતો. ઈજાગ્રસ્ત રેલવે કર્મીને સારવાર માટે હોસ્પિટલેખસેડવામાં આવ્યો હતો. જૂના મનદુખના કારણે અન્ય વ્યક્તિ ઉપર હુમલો કરવા આવેલો રેલવે કર્મચારી પાર્સલ ઓફિસના મજુર સાથે ભીડાઈ ગયો હતો અને હુમલાખોરને જ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
મળતી વિગતો મુજબ શહેરના રુખડિયાપરામાં રહેતા અને રેલવેની પાર્સલ ઓફિસમાં મજુરી કામ કરતા ઈબ્રાહીમ હુસેન પારા ઉ.વ.58 નામના રેલવેના મજુર પાર્સલ ઓફિસે હતો ત્યારે જામનગરનો રેલવો કર્મચારી અને હાલ રજા ઉપર રહેલા હિતેશ મુલિયાણા તલવાર સાથે પાર્સલ ઓફિસમાં ધસી આવ્યો હતો. ખુલ્લી તલવાર સાથે ધસી આવેલા હિતેશ મુલિયાણાએ પાર્સલ ઓફિસના મજુર ઈબ્રાહીમને અજગર ક્યાં છે તેમ કહી ગાળો આપતા ઈબ્રાહીમને હિતેશને ગાળો નહીં આપવા સમજાવ્યો હતો. જે બાબતે બન્ને વચ્ચે માથાકુટ થતાં તલવાર લઈને આવેલા હિતેશ મુલિયાણાને ઈબ્રાહીમ હુશેન પારાએ ઢીબી નાખ્યો હતો. અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રેલવે પોલીસને બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલેદોડી આવી હતી અને આ મામલે જરૂરી કાર્યવાહી કરી હતી. ઈબ્રાહીમ હુસેન પારા છેલ્લા 40 વર્ષથી રેલવેના પાર્સલ વિભાગમાં મજુરી કામ કરે છે. જ્યારે હિતેશ જામનગરમાં રેલવે વિભાગમાં ફરજ બજાવે છે. અગાઉ તેને અજગર નામના શખ્સ સાથે માથાકુટ થઈ હોય જેથી તે તેના પર હુમલો કરવા આવ્યો હોય અને પાર્સલ ઓફિસના મજુર સાથે ભીડાઈ જતાં હોસ્પિટલના બિછાને પહોંચી ગયો હતો.