ગોંડલ પંથકમાં તાંત્રિક વિધિના નામે રૂ. 2.20 લાખની માળા લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયા
ગોંડલ પંથકમાં દિવાળીના તહેવાર ઉપર તાંત્રીક વિધીના નામે ખેડુતોને શીશામાં ઉતારી દાગીના લુંટી લેતી બાવા ગેંગ સક્રીય થઇ હોય જેમાં પોલીસ ફરીયાદ નોંધાયા બાદ ગોંડલ તાલુકા પોલીસને આ બાવા ગેંગના સભ્યોને ઝડપી લેવામાં સફળતા મળી છે. વાંકાનેર પંથકના નેનુનાથ ઉર્ફે મુના નાથ જવરનાથ સોલંકી અને સુરજનાથ જવરનાથ સોલંકીને ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ મોવિયા ગામે રહેતા ખેડુત કાંતિભાઇ ઘુસાભાઇ ભાલાળા (ઉ.વ. 63) દિવાળીના તહેવાર પર ગત તા. 2-11 ના રોજ શ્રીનાથગઢ દરવાજા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એક ફોર વ્હીલમાં બેઠેલા સાધુના શીષ્યએ તેને બોલાવી દિગ્મબર અઘોરી સાધુના દર્શન કરવાની વાત કરી હતી.
કાંતિભાઇ કાર પાસે ગયા ત્યારે અંદર બેઠેલા નાગાબાવાએ કહેલ કે ‘બચ્ચે તેરા કલ્યાણ હો જાયેગા’ દિગમ્બર અઘોરી ગીરનારી સાધુ કો કુછ દક્ષિણા દો’ આવી લોભામણી વાતો કરી કાંતિભાઇને વશીકરણ કરીને તેમના ગળામાં પહેરેલ રૂ. 2.20 લાખની કિંમતની સોનાની 3 તોલાની માળા છેતરપીંડી પર પડાવી લીધી હતી. આ મામલે મોવિયા તેમજ આસપાસના ગામોમાં તપાસ કરતા અનેક લોકોને આ બંને શખ્સોએ શીશામાં ઉતાર્યા હોવાનું સામે આવ્યુ હતું. ગોંડલ શહેર અને તાલુકા પોલીસે તપાસ કરતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર. આર. સોલંકી અને તેમની ટીમને આ સાધુ ગેંગની માહિતી મળતા વાંકાનેર પંથકના આ બંને સાધુને ઝડપી લીધા હતા બંને પાસેથી સોનાની માળા કબજે કરવામાં આવી છે.