For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધરાત્રે ભેદી આદેશ થતાં માતાએ નિદ્રાધીન બે માસૂમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા!

03:46 PM Nov 14, 2025 IST | admin
મધરાત્રે ભેદી આદેશ થતાં માતાએ નિદ્રાધીન બે માસૂમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા

અન્ય રૂમમાં સૂતેલા સસરાની હત્યાનો પણ પ્રયાસ કરી કાન કરડી ખાધો, મધરાત્રે ખેલ્યો ખૂની ખેલ

Advertisement

બીલીમોરામાં મધરાત્રે બનેલી ‘વશ’ ફિલ્મ જેવી ભયાનક ઘટના, પિતૃ મોક્ષાર્થે કૃત્ય કર્યાની મહિલાની કબૂલાત

નવસારીના બીલીમોરા ખાતે વશ ફિલ્મ જેવી અંધશ્રધ્ધાની એક ભયાનક ઘટના બનવા પામી છે. મધરાત્રે સુતેલી એક મહીલાને ભેદી આદેશ થતા આ મહીલાએ તેના નિંદ્રાધિન બે માસુમ પુત્રોના ગળા દબાવી હત્યા કર્યા બાદ તેના નિંદ્રાધિન સસરાની હત્યાનો પણ પ્રયાસ કરી કાન કરડી ખાધો હતો. પરંતુ સસરા જીવ બચાવીને ભાગી છુટતા બચી ગયા હતા.

Advertisement

પોલીસે મહીલાની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે પિતૃમોક્ષ માટે આ કૃત્ય કર્યાનું અને આવુ કરવા માટે તેને આદેશ મળતા હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ મહીલા માનસીક બીમાર હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મુળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે 1:30 વાગ્યે એક મહિલાને સપનામાં અવાજ સંભળાયા કે ‘તારાં બાળકોને મારી નાખ’ જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેનાં બે બાળકનું ગળું દબાવી દીધું હતું. એ બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તેઓ ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.

ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન 2.30 વાગ્યે પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા બાળકોની લાશ પાસે બેઠી હતી. પોલીસે મહિલાને ઝડપીને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની ગેરહાજરીમાં પત્નીએ આ હત્યાકાંડ સર્જતા પતિ પણ ભાંગી પડયો છે.

આ અંગે ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, મુળ યુપીના અને હાલ બીલીમોરાના દેવસરમાં રહેતાં 60 વર્ષીય ઇન્દ્રપાલ શર્માએ ફરિયાદ આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના દીકરા શિવાકાન્તને ટાઇફોડ થયો હોવાથી તે છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. જેની ગઇકાલે સાંજે ઇન્દ્રપાલ શર્મા તેમને ટિફિન આપવા ગયા હતા અને બાદમાં ઘરે આવીને સુઇ ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે શિવાકાન્તની પત્ની સુનિતાએ કંઇક અવાજ સંભળાય એવું કહીને તેના સાત વર્ષીય પુત્ર હર્ષ અને ચાર વર્ષીય વેદનું ગળું દબાવીને મારી નાખ્યા હતા.
બાળકોને મારી નાખ્યા બાદ સુનિતાએ તેના સસરા ઇન્દ્રપાલ શર્માને મારવાના પ્રયત્નો કરી હાથમાં બચકુ ભરતાં ઇન્દ્રપાલ શર્મા ઘરમાંથી ભાગી છુટ્યા હતા અને બુમાબુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા, પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દરવાજો તોડીને ઘરમાં ગઇ તો આરોપી મહિલા બંને બાળકોની લાશ પાસે બેઠી હતી.

ડીવાયએસપીના જણાવ્યા મુજબ આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, તેણે પિતૃમોક્ષ માટે તેણે કર્યું છે. આરોપીએ જણાવ્યું કે મને આવું કરવા અવાજો સંભળાતા હતા કે તું આવું કર એટલે મેં પિતૃમોક્ષ માટે બાળકોને માર્યા છે.આરોપીએ પોલીસને એવું પણ જણાવેલું છે કે, બાળકોની હત્યા બાદ તેણે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

આરોપી મહિલા ભગવાનના મંદિરે નિયમિત દર્શન કરવા જતી હોવાનું હાલ જાણવા મળ્યું છે. હાલ પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે, આ મામલે અમે મનોચિકિત્સક ડોક્ટરોની મદદ લઇને પણ તેની પુછપરછ કરીશું. આ તાંત્રિક વિધિ છે કે પછી મહિલા જણાવી રહી છે એ મુજબ ફિલ્મ વશ જેવી ઘટના છે એ મામલે હાલ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. આગળની તપાસ બાદ જ સામે આવશે કે ખરેખર મહિલાએ આવું શું કામ કર્યું.

સસરાને ગ્લાસ વડે મારી કાન ઉપર બચકું ભરી લીધું
આરોપી મહિલાના સસરા ઇન્દ્રપાલ શર્માએ જણાવ્યું કે, રાત્રે 8 વાગ્યા જમી પરવારીને હું હોસ્પિટલમાં દાખલ મારા દીકરા અને એની સાથે રહેલી મારી પત્નીને ટિફિન આપવા માટે ગયો હતો અને બાદમાં ઘરે આવીને બહારના રુમમાં સુઇ ગયો હતો. રાત્રે ભગવાન જાણે દીકરાની વહુ ને શું થયું કે એમા મારા બંને પૌત્રને મારી નાખ્યા. મારા બંને પૌત્રને મારીને મારા દીકરાની વહુ બહાર આવીને મારા પર હુમલો કર્યો. પ્રથમ એણે ગ્લાસથી મને મારવાનું શરૂૂ કર્યું મેં ખુબ બુમાબુમ કરીને બચવાનો પ્રયત્ન કર્યો, જે બાદ તેણે મારા કાનને બચકુ ભરી લીધું. હું માંડ માંડ કરીને બહાર ભાગી ગયો બાકી મારા દીકરાની વહુ મને પણ મારી નાંખવાની હતી. બહાર ભાગીને મેં બુમાબુમ કરતાં પાડોશીઓ ભેગા થયા અને પછી પોલીસ બોલાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement