For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૈસાની ભૂખમાં પ્રેમી યુગલે વૃધ્ધની લોથ ઢાળી, હવે જેલના રોટલા તોડવાનો વારો આવ્યો

04:31 PM Jun 09, 2025 IST | Bhumika
પૈસાની ભૂખમાં પ્રેમી યુગલે વૃધ્ધની લોથ ઢાળી  હવે જેલના રોટલા તોડવાનો વારો આવ્યો

વૃધ્ધની હત્યામાં કપલ સામે લૂંટ અને કાવતરાની કલમનો ઉમેરો કરાશે

Advertisement

બંન્ને આરોપીને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા

‘કપલે’ ત્રણ દિવસ પહેલાં વૃધ્ધના મકાને પહોંચી રેકી કરી હતી, દાગીના વેચે તે પૂર્વે જ બંન્નેને પકડી લીધા

Advertisement

શહેરની વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર સ્થિત શ્રીનગર સોસાયટી શેરી નં. 3માં એકલા રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70)ની બે દિવસ પહેલાં મોડી સાંજે ઘરમાં ઘૂસી, છરીના ઘા ઝીંકી, હત્યા કરી, સોનાના દાગીનાની લૂંટ ચલાવાયાની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી લઇ બે આરોપી કિશન માનસિંગ વાઢેર (ઉ.વ.22, રહે. હાલ કારડિયા રાજપૂત છાત્રાલય, જૂની ધરમ સિનેમા સામે, મૂળ સતાપર, તા. જામજોધપુર) અને તેની મિત્ર સ્નેહલબા પ્રતાપસિંહ ગોહીલ (ઉ.વ.22, રહે. હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર, બ્લોક નં. 333, કોઠારિયા સોલવન્ટ, મૂળ છાત્રા, તા. તળાજા)ને ઝડપી લઇ લૂંટી લીધેલા સોનાના દાગીના સહિત કુલ રૂૂા. 7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બંને આરોપી અગાઉ ફલીપકાર્ટમાં ડિલીવરી બોય અને ગર્લ તરીકે નોકરી કરતાં હતા.પાર્સલ ગયા હોવાથી મૃતક એકલા રહેતા હોવાની અને દાગીના પહેરવાના શોખીન હોવાની જાણ હતી. જેને કારણે તેના દાગીના લુંટવા હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.ભક્તિનગર પોલીસ મથકમાં મૃતકના નાનાભાઇ રમઝાભાઈએ ફરિયાદ નોંધાવી હતી.આખરે સીસીટીવી કેમેરાના આધારે ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી લીધા હતાં.પોલીસે જણાવ્યું હતું કે આરોપી યુવતી પોતાના પરિવારના કહ્યામાં નહોતી અને સ્વછંદી બની ગઈ હતી.

ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખૂલ્યા મુજબ આરોપી કિશન અને સ્નેહલબા ફલીપકાર્ટના ડો. યાજ્ઞિાક રોડ પર આવેલા વેર હાઉસમાં ડિલીવરી બોય અને ડિલીવરી ગર્લ તરીકે નોકરી કરતા હતાં. જેના કારણે એક-બીજા સાથે મિત્રતા થઈ હતી.એકાદ વર્ષ પહેલા તે મૃતક બરકતભાઇના ઘરે પાર્સલ આપવા ગઇ હતી. જેને કારણે તેની સાથે પરિચયમાં આવી હતી. તે સાઇડમાં ગોલ્ડ લોનનું પણ કામ કરતી હતી. જેથી તેનું પેમ્ફલેટ પણ આપ્યું હતું.
ત્યાર પછી બીજી વખત પણ પાર્સલની ડિલીવરી કરવા ગઇ હતી.હાલમાં કિશન અને સ્નેહલબાને પૈસાની જરૂૂરિયાત હતી. સ્નેહલબા મૃતક બરકતભાઈને ઓળખતી હોવાથી તેને ખબર હતી કે તે સોનાના દાગીના પહેરવાના શોખીન છે. હંમેશા બંને હાથની આઠ આંગળીમાં વીંટીઓ પહેરે છે, આ ઉપરાંત ગળામાં સોનાનો ચેન અને સોનાની લક્કી પણ પહેરે છે. આ સંજોગોમાં તેને લૂંટી લેવાની યોજના બનાવી હતી.યોજનાના ભાગરૂૂપે બંને ત્રણેક દિવસ પહેલા મૃતક બરકતભાઈના ઘરે ગયા હતા. તે વખતે કિશને તેની સાથે સિગરેટ પણ પીધી હતી. ઘરની આ મુલાકાત દરમિયાન બંનેએ ખાતરી કરી લીધી હતી કે મૃતક બરકતભાઈ એકલા જ રહે છે. ઘરમાં સીસીટીવી કેમેરા પણ નથી. જેથી બે દિવસ પહેલાં એક્ટિવા ઉપર બંને તેના ઘરે બધી તૈયારી સાથે યોજનાને અંજામ આપવા ગયા હતા.

સામાન્ય વાતચીત થયા બાદ કિશન ઉભો થયો હતો. તે સાથે જ તેણે પાછળથી મૃતક બરકતભાઈનું મોઢુ દબાવી, તેના ગળામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી મૃતક બરકતભાઈ તરફડીયા મારવા લાગ્યા હતાં. આમ છતાં તેણે પ્રતિકાર કરી છરી પડાવી લીધી હતી. તે સાથે તેની પાસેથી છરી પડાવવા કિશન અને સ્નેહલબાએ ઝપાઝપી શરૂૂ કરી હતી. આ દરમિયાન સ્નેહલબાના હાથમાં છરી આવી જતાં તેણે પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.

આ રીતે તેની હત્યા કરી આઠ આંગળીમાં પહેરેલી વીંટીઓ, સોનાનો ચેન, લક્કી અને ઘરમાં પડેલી ચારેક ઘડિયાળો લૂંટી લીધી હતી. બંનેના કપડા લોહીવાળા થઇ ગયા હોવાથી ત્યાં જ સાથે લાવેલા કપડા બદલી બહાર નીકળી, એક્ટિવા ઉપર ભાગી, પોતપોતાના ઘરે જતા રહ્યા હતાં. લૂંટી લીધેલા દાગીના કિશન પોતાની સાથે લઇ ગયો હતો. તે સ્નેહલબા સાથે પોતાના વતન સતાપર જવાની ફિરાકમાં હતો. પરંતુ તે પહેલા જ બાતમી મળી જતાં ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો. ત્યાર પછી સ્નેહલબાને પણ ઝડપી લીધી હતી.

ક્રાઇમ બ્રાંચે લૂંટી લીધેલા રૂૂા. 6.95 લાખના દાગીના, ગુનામાં વપરાયેલુ એક્ટિવા અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂૂા. 7.55 લાખનો મુદ્દામાલ કબજે કરી, બંને આરોપીઓનો કબજો ભક્તિનગર પોલીસને સોંપી દીધો હતો.
પોલીસ તપાસમા જાણવા મળ્યુ હતુ કે બંનેએ છેલ્લા બે મહિનાથી નોકરી મૂકી દીધી હતી, જેથી પૈસાની જરુર જણાતા સ્નેહલબાને બેન્કમાં ગોલ્ડલોન માટે મળેલા બરકતભાઈ યાદ આવ્યા. પ્રેમી સાથે વાત કરતા બંનેએ મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પૈસાની જરૂૂર જણાતા રેકી કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, પૈસાની ભૂખે પ્રેમી યુગલને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

શંકાસ્પદ કપલ વારંવાર અવર જવર કરતા હોય ચહેરો ઢાંકવાનો પ્રયત્ન કરતા હોય પોલીસે શકમંદ તરીકે પકડ્યા અને ભેદ ઉકેલાયો
આ ગુનાનો ભેદ ઉકેલવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે, એક એકટીવા પર જતા શંકાસ્પદ યુવક-યુવતી વારંવાર અહિથી અવર-જવર કરે છે. તે અલગ-અલગ જગ્યાએ પોતાના કપડાં બદલે છે અને પોતાનો ચહેરો ઢાંકવાનો પણ પ્રયત્ન કરતા નજરે પડે છે. તપાસના અંતે યુવક-યુવતીને ડીટેઇન કરવામાં આવ્યા હતા.

સિવિલ એન્જિનિયર ભણેલી યુવતી ગોલ્ડલોન આપવાનું કામ કરતી ત્યારે બરકતભાઈના સંપર્કમાં આવી હતી

સ્નેહલબા ગોહિલે સિવિલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.જ્યારે તે એક બેન્કમાં ગોલ્ડલોન આપવાનું કામ કરતા હતા ત્યારે એટલે કે છેલ્લા એક વર્ષથી બરકતભાઇની સાથે સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બરકતભાઈએ પણ ગોલ્ડલોન માટે તેનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેથી, અગાઉ પણ આ સ્નેહલબા બરકતભાઈના ઘરે ગયા હતા. અહીં જઈને તેણે પોતાની નજરે બરકતભાઈના ઘરની ચકાચૌંધ જોઈ હતી. બરકતભાઈ પોતાની આઠેય આંગળીઓમાં અને ગળામાં સોનુ પહેરીને જ ફરતા હતા, ત્યારથી જ તેની નજર આ સોના પર હતી.પોલીસે જણાવ્યું કે યુવતી તેના પરિવારના કહ્યામાં નહોતી અને સ્વછંદી બની ગઈ હતી.

મર્ડરના ગુનાનો ભેદ ઉકેલનાર ક્રાઇમબ્રાન્ચની ટીમ
વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાત દિવસ જોયા વગર કામ કર્યું હતું જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીઆઇ એમ.એલ. ડામોર,પીઆઇ સી.એચ.જાદવ, પીએસઆઇ એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, સી.વી.ચુડાસમા, એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, હિતેન્દ્રસિંહ ઝાલા, અશોક કલાલ,જયદેવસિંહ પરમાર, સંજયભાઇ રૂૂપાપરા, સુભાષભાઇ ધોધારી, દિપકભાઇ ચૌહાણ, હરસુખભાઇ સબાડ, પ્રદીપસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવ, પ્રતીકસિંહ રાઠોડ, કિશનભાઇ પાંભર, કૃષ્ણદેવસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા, દિલીપભાઇ બોરીચા,મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, તુલશીભાઇ ચુડાસમા, પ્રશાંતભાઇ ચુડાસમા તેમજ મહીલા કોન્સ્ટેબલ નયનાબેન, દીપલબેન ચૌહાણનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement