તાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોત
નવજાત બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી, તબીબ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો
તાલાલાના પીપળવા ગામની પરણિતા કવિબેન નંદાણિયાનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે. 25 મેના રોજ વઘાસિયા હોસ્પિટલમાં સિઝેરિયન દરમિયાન થયેલી બેદરકારીને કારણે તેમનું મોત નીપજ્યું હતું.
જિલ્લા મેડિકલ ઓફિસરની ત્રણ ડોક્ટરની પેનલે તપાસ કરી હતી. તપાસમાં ખુલ્યું કે, ડો. અક્ષય હડિયલે એનેસ્થેશિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું હતું. સિઝેરિયન દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો.
હોસ્પિટલમાં ICU સુવિધા ન હોવા છતાં દર્દીને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રીફર કરવાને બદલે સમય બગાડ્યો હતો.
1 જુલાઈના રોજ જિલ્લા મેડિકલ ઓફિસરે તપાસ રિપોર્ટ તાલાલા પોલીસને મોકલ્યો હતો. મૃતક પરણિતાના પતિ જયેશભાઈની ફરિયાદના આધારે ડો. હડિયલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તાલાલા પંથકમાં આ ડોક્ટરની બેદરકારીથી અગાઉ પણ બે મહિલાના મૃત્યુ અંગે સવાલો ઉઠ્યા હતા. કવિબેનના મૃત્યુથી 5 વર્ષનો દીકરો મહર્ષિ અને નવજાત બાળકી આધ્યાએ માતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે.
ડો. હડિયલ સરકારી હોસ્પિટલની પ્રેક્ટિસ છોડી ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે ઈંઙઈ કલમ 106(1) હેઠળ બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધ્યો છે. પોલીસ વહેલી તકે ડોક્ટરની ધરપકડ કરશે.ગીર સોમનાથ જિલ્લામાં કોઈ ડોક્ટર ની બેદરકારીથી મહિલાનું મૃત્યુ થતાં ડોક્ટર સામે પોલીસએ ગુનો નોંધાયો હોવાનો પહેલો કિસ્સો છે .