સોમનાથમાં ટેક્સી ડ્રાઇવરો પર હુમલો કરી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા
8મી નવેમ્બરના બનાવના બન્ને આરોપીને એસઓજી પોલીસે દબોચ્યા
ગીર સોમનાથ એસ.ઓ.જી. દ્વારા યાત્રાધામ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓને લાવતા ટેકસી ડ્રાઇવરોને માર મારી પ્રવાસીઓમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતા બે શખ્સોને પકડી પાડી અનડીટેકટ ગુનો શોધી કાઢેલ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ ગત તા.08/11/2024 ના દ્વારકાથી યાત્રાળુઓને પોતાની ફોરવ્હીલ અર્ટીગા ગાડીમાં લઇને સોમનાથ આવેલ અને યાત્રાળુઓને સોમનાથ ઉતારી એપલ ફાસ્ટફુડ પાસે રોડ ઉપર ઉભેલ ત્યારે બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ ઉપર આવી અહી ભાડુ લઇને કેમ આવે છે તેમ કહી બીભત્સ શબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાયેલ હતી.
આ અંગે જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા આ અનડીટેકટ ગુનો શોધી કાઢી આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ જે અન્વયે ગીર સોમનાથ એસ.ઓ.જી ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ બે અલગ-અલગ ટીમો બનાવેલ જેમાં એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા, ભુપતગીરી મેઘનાથી, પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા, કૈલાશસિહ બારડ સહીતનાએ ટેકનીકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારોથી અજાણ્યા આરોપીઓની વિગતો મેળવેલ જેમાં એક આરોપીને મીઠાપુર ગામેથી ગોપાલ લખમણભાઇ સોલંકી, ઉવ.31 (રહે.મીઠાપુર ગામ તા.વેરાવળ) તથા બીજા આરોપીને ભુજ ખાતેથી, નિરવ ઉર્ફે નિર્ભય જેશાભાઇ જેઠવા, ઉવ.22, (રહે.મેઘપુર ગામ તા.વેરાવળ)ને પકડી પાડી અનડીટેકટ ગુનો શોધી કાઢેલ છે.