માણાવદરના ખાંભલા ગામે બેંકના ક્રેડીટ કાર્ડમાં રિવોર્ડના બહાને 2.83 લાખની ઠગાઇ
સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ઓનલાઇન કરેલી અરજીના આધારે ફરિયાદ
ખાંભલા ગામનાં ડ્રાઈવરને અજાણ્યા શખ્સે બેંકનાં ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઇન્ટની લાલચ આપી 2.83 લાખ ઉપાડી લઈ અને 2.67 લાખના મોબાઈલ વગેરેની ખરીદી કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર પોલીસમાં નોંધાઈ હતી. માણાવદર તાલુકાના ખાંભલા ગામે રહેતા ડ્રાઇવર રાજુભાઈ હરિભાઈ કણજારીયા ગઈ તારીખ 13 ફેબ્રુઆરીના રોજ બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેમને મોબાઇલ પર અજાણ્યા મોબાઈલ નંબરમાંથી ફોન કરી દિલ્હી ખાતે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી મમતા શર્મા વાત કરું છું તેમ કહી તમારા બેંકના ક્રેડિટ કાર્ડમાં રીવોર્ડ પોઈન્ટ મળેલ છે જે મેળવવા માટે તમારા મોબાઇલ ફોનમાં તમારે પ્રોસેસ કરવાની રહેશે એવી લાલચ આપી રાજુભાઈને વિશ્વાસમાં લીધા હતા.
બાદમાં તેમના મોબાઈલ ફોનમાં આઈસીઆઈસીઆઈ ડોટ એપીકે નામની ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. તેમાં પ્રોસેસ કરાવી ક્રેડિટ કાર્ડ તથા નેટબેન્કિંગના પાસવર્ડ મેળવી ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા રાજુભાઈના બેન્ક ખાતામાંથી રૂૂપિયા 2,83,144 ઉપાડી લીધા હતા અને આ નાણાં રિલાયન્સ રીટેઇલ લિમિટેડમાં ગયા હતા તેમાંથી અજાણ્યા શખ્સે રૂૂપિયા 74,999નો તથા રૂૂપિયા 1,92,599નો મોબાઈલ ફોન તેમજ રૂૂપિયા 15,546ની બ્લીનકીટમાંથી ખરીદી કરી રૂૂપિયા 2,83,144ના નાણાકીય ફ્રોડ અંગે રાજુભાઈ કણજારીયાએ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ઓનલાઇન કરેલી અરજીના આધારે સોમવારે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.