જૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યુ
લગ્નની લાલચ આપી મધુરમ વિસ્તારની સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. સી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 17 વર્ષની સગીરા બાજુની સોસાયટીમાં રહેતો મયુર ભદ્રેશ અગ્રાવત નામના યુવકના પરિચયમાં આવી હતી. શખ્સે તરુણીનાં ભોળપણનો લાભ લઈ તેની સાથે મિત્રતા કેળવી હતી. અને લગ્નની લાલચ આપી હતી.
યુવકના માતા-પિતા જોબ કરતા હોય ઘરે કોઈ ન હોય ત્યારે સગીરાને પોતાના ઘરે બોલાવતો હતો. લગ્નની લાલચ આપી બળજબરીથી શરીર સંબંધ બાંધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે તરુણીની માતાએ શુક્રવારે બપોરે ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી. જે. સાવજે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાંબા ગામના યુવાન ઉપર પાઈપ વડે હુમલો
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા લગધીરભાઈ રામાભાઈ ચાવડા નામના 40 વર્ષના યુવાન આ જ ગામના ભીમશી ઉર્ફે રમેશ રણમલભાઈ ગોરીયા નામના 22 વર્ષના યુવાનને કોઈ બાબતે સમજાવવા જતા આનાથી ઉશ્કેરાયેલા આરોપી ભીમશી ઉર્ફે રમેશ અને તેના પિતા રણમલ જીવાભાઈ ગોરીયા દ્વારા તેમના પર લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરવામાં આવતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે પિતા-પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.