જેતપુરમાં 1 લાખની અસલી નોટના બદલે 2 લાખની રમકડાંની નોટ પધરાવી દીધી
અમરેલીના સમઢિયાળા ગામના રત્નકલાકારની ફરિયાદને આધારે પાળિયાદ અને જેતપુરના પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
જેતપુરના પાંચ શખ્સોએ અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામે રહેતાં યુવાનને રૂૂ.1 લાખની જૂની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી-ફાટેલી નોટ મળશે કહી 2 લાખની નકલી આપી છેતરપીંડી કરતા આ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
મળતી વિગતો મુજબ અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામે રહેતાં અને કડિયા કામ કરતા લલીતભાઈ નારણભાઈ વરૂૂ (ઉ.વ.18) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાળીયાદના વાલજી ધનજી મકવાણા, અને જેતપુરના અશ્વીન વીનુભ વેગડા, અસ્લમખાન નુરખાન પઠાણ, એઝાજ હાજી ઠેબા, યુસુફભાઈ જુમા ચૌહાણનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે છ મહિના પહેલા તે સુરત હીરા ઘસવાનું કામ કરતો હતો, જ્યાં તેમની સાથે કામ કરતા અન્ય હીરાઘસુ (મજુરો) મોબાઈલમાં જોઈને વાત કરતા હતા કે, એક ભાઈ છે, જે અસલ ભારતીય ચલણી નોટોના બદલામાં, થોડી ફાટેલી, તુટેલી અને શાહીના ડાઘાવાળી નોટો ડબલ આપે છે.
આથી તેમની પાસેથી આવુ કામ કરતા વ્યક્તિનો મોબાઇલ નંબર મેળવી ફોન કરતા, સામે વાત કરનારે પોતનું નામ વાલજી મકવાણા હોવાની ઓળખાણ આપી વાત કરી હતી. તે ભારતીય ચલણી નોટો કે જે, સારી હાલતમાં છે તેના બદલામાં શાહીના ડાઘાવાળી તથા થોડી ફાટેલી તુટેલી નોટો ડબલ આપે છે. આથી તેમને કહેલ કે, મારી પાસે રૂૂ.1 લાખની 500 ના દરની સારી નોટો છે, જેથી વાલજીભાઈએ કહેલ કે, તો તેના બદલામાં તમને રૂૂ.1 લાખ આપીશ. જે બાદ આરોપી વાલજીએ કહેલ કે, તમે સવારે જેતપુર આવો ત્યાં આપણે મળીશું અને ત્યાં જ વહિવટ કરી નાખશું, બાદ લલીતભાઈ અને તેનો મિત્ર રવી વરૂૂ બાઇક લઈને અમરેલીના ખાંભાના સમઢીયાળાથી જેતપુર ગયા હતા જ્યાં ભાદરના પુલ પર વાલજી મકવાણા મળેલ અને તેમની સાથે અન્ય ચાર માણસો હતા. વાલજીએ ચારેયની ઓળખાણ આપેલ હતી. જેમાંથી અશ્વીન વેગડા હતો તેણે લલિતના કહ્યું કે તે એક લાખની નોટોના બદલામાં રૂૂપીયા બે લાખ આપશે. જે બાદ લલિત અને તેનો મિત્ર પણ બાઈક થઈને પરત નીકળી ગયેલ હતાં.બાદ સાંજના સમયે તેઓ જુનાગઢ હતા ત્યારે પાછો વાલજીનો ફોન આવેલ કે, તમે પાછા આવો તમને રૂૂપીયા આપી દઈએ છીએ, જેથી લલિત અને તેનો મિત્ર સાથે પરત જેતપુર બસ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા.
જેતપુરમાં અશ્વીન, વાલજી, અસલમ, એઝાજ, યુસુફ બધા હાજર હતા. જેમાંથી અશ્વીનએ બે નોટો બતાવેલ, અને જણાવેલ કે, આવી નોટો આવશે, જે નોટો રૂૂ.500 ના દરની અને સારી નોટો હતી. જેથી તેને હા પાડેલ હતી. જે બાદ એઝાજ તથા અસલમ બન્ને બાઈક લઈને ગયેલ અને અશ્વીનએ કહેલ કે, તે બન્ને તમને આપવા માટેના રૂૂપીયા લેવા ગયા છે.બાદ એઝાજ અને અસલમ આવેલ હતાં.
અશ્વીનને એક કાળી પ્લાસ્ટીકની કોથળી આપેલ હતી. બાદમાં અશ્વીન તેઓને જીમખાના ગ્રાઉન્ડના અંધારામાં લઈ ગયેલ અને 500 ના નોટોની ચાર થપ્પીઓ અડધી તેમના હાથ નીચે દબાવીને બતાવેલ હતી. તે એકદમ નવી નોટો હતી, જેથી તે નોટો લઈ લીધેલ અને તેના બદલામાં યુવાને તેની પાસે રહેલ 500 ના દરની ચલણી નોટોના રૂૂ.1 લાખ રોકડા અશ્વીનને આપેલ હતાં. બાદ તેઓ ત્યાંથી નીકળી ગયેલ હતાં. ખાંભાના સમઢીયાળા આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં જેતપુરથી આગળ પેટ્રોલપંપ પાસે તેઓ ઉભા રહેલ જ્યાં બાથરૂૂમમાં જઈને લાઈટમાં નોટો જોતા તેમની પાસે રહેલ નોટોની ઉપર ગુજરાતીમાં ભારતીય મનોરંજ અને અંગ્રેજીમાં CHILDREN BANK OF INDIA FULL OF FUN લખેલ હતુ, આ તમામ નોટો ખોટી હતી. જેથી તે ડરી ગયેલ અને રડવા લાગેલ કે, મારી સાથે છેતરપીંડી થઈ ગઈ. તે બહાર આવીને રવીને વાત કરેલ કે, મને આરોપીએ ભેગા મળીને છેતર્યો છે. બાદ તેઓએ જેતપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.