ટંકારાના ધુનડા ગામે વ્યાજખોરોએ મહિલાની નવ વિઘા જમીન પડાવી લીધી
વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ કમર કસી રહી તેમ છતા વ્યાજખોરો બાજ આવતા નથી ત્યારે ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે મહિલાના પતિએ આરોપીઓ પાસેથી વ્યાજે નાણાં લીધેલ હોય જે મુદલ તેમજ વ્યાજ ચુકવ્યા છતાં આરોપીઓએ મહિલાના પતિને છરી દેખાડી ટંકારા લઈ જઈ મહિલાના પતિનું નવ વિઘાનુ ખેતર પડાવી મહિલા તથા તેના પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુંનડા (ખાનપર) ગામે રહેતા વર્ષાબેન બીપીનભાઈ કાસુંદ્રા (ઉ.વ.40) એ આરોપી કાલીકાસિંહ બનેસંગ ગોહિલ તથા સવજીભાઈ લવજીભાઈ માલકીયા તથા મહેન્દ્રસિંહ રોહિતસિંહ ગોહિલ રહે. ત્રણે ઘુનડા (ખાનપર) તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ બીપીનભાઈને સિરામિકના ધંધામાં ખોટ જતા દેવુ થઈ જતા પોતાની જમીનનું સોદાખત કરી અડાણે મુકેલ હોય જે ખેતી છોડાવવા આરોપીઓ પાસેથી ત્રીસ લાખ વ્યાજે લીધેલ હોય જેથી આરોપીઓ ફરીયાદીના પતિને કામનું બહાનું કરી ટંકારા લઈ જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા ફરીયાદીના દિકરા પ્રથમને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના પતિને ભયમાં મુકી છરી બતાવી ટંકારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં લઈ જઈ ફરીયાદીના પતિની ડંભારૂૂ નામથી ઓળખાતી ખેતીની જમીન 09 વિઘાનુ ખેતર બળજબરીથી આરોપીએ પોતાના ભાઈ રોહિતસિંહ બનેસંગ ગોહિલના નામનો દસ્તાવેજ કરાવી લઈ ફરીયાદના પતિ પાસેથી ઊંચું વ્યાજ તથા મુદલ પૈકી વીસ વસુલ કરી વ્યાજ સહિત બાકી રહેતા 12 લાખ લઈ ફરીયાદના પતિનું ખેતર લઈ જમીન ભુલી જજો એવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.