ધ્રાંગધ્રામાં પત્નીની મશ્કરી કરતા પતિએ ઠપકો આપતા કૌટુંબિક ભાણેજે કરી મામાની હત્યા
ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા શ્રમિકો પરિવારમાં મામાએ પત્નીની મશ્કરી કરવા મામલે ભાણને ઠપકો આપતા ભાણાએ મામા ઉપર કુહાડીનો ઘા મારી હત્યા કરી હતી. બનાવ અંગે મૃતકના પત્નીએ ભાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભાણાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મુળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગામના રહેવાસી ખેતમજુરી કામ માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પથુગઢ ગામે વિક્રમભાઈ તડવી પત્ની લક્ષ્મીબેન સહિત 05થી 07 લોકો એકજ કૌટુબિક પરિવારના આવ્યા હતા.
ગત તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ વિક્રમભાઈની પત્ની લક્ષ્મીબેનની કૌટુંબિક ભાણા રોહીત રણછોડભાઈ તડવીએ મશ્કરી કરી હતી. જેને લઇ વિક્રમભાઇએ ભાણા રોહીતને ઠપકો આપ્યો હતો. જેનુ મનદુ:ખ રાખીને ભાણા રોહીતે 24 સપ્ટેમ્બરની વહેલી સવારે ખાટલામાં સુતેલા વિક્રમભાઈને જોયા અને ઠપકાનુ માઠુ લાગેલા રોહીતે તકનો લાભ જોઇને કુવાડીના ઘા માથામા માર્યા હતા અને વિક્રમભાઈને લોહીલુહાણ હાલતમા હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.
જયા ડોક્ટરો દ્વારા એમને સારવાર આપવામાં આવી હતી. માથામાં કુહાડીના ઉંડો ઘા હતો જેેના કારણે વિક્રમભાઈની હાલત ગંભીર બની હતી. જ્યાં સારવાર દરમ્યાન વિક્રમભાઈની ગુરૃવારના રોજ મોત નીપજ્યું હતું. મશ્કરી જેવી બાબતમા ઠપકો આપ્યાની દાઝ રાખી જીવલેણ હુમલાનો બનાવ હત્યામા પલટાયો હતો. મૃતકની પત્ની લક્ષ્મીબેનની ફરીયાદને આધારે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.બી.વિરજાએ ગુનો નોંધી આરોપી રોહીત તડવીને ઝડપી પાડયો હતો.
ભાણાના હાથે મામાની હત્યા, બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. મૃતક વિક્રમભાઈ અને પત્ની લક્ષ્મીબેનને બે પુત્ર હતા. માતાપિતા મજૂરીકામ કરીને બંને પુત્રને ભણાવ્યા મોટા દિકરા અનીલ અને નાના દિકરા અક્ષય આ બંને બરોડા મુકામે નોકરી કરતા હતા. કૌટુંબિક ભાણાએ જ સામાન્ય ઠપકા જેવી બાબતે પિતા વિક્રમભાઈની હત્યા કરતા અનીલ અને અક્ષયે પિતાની છત્રછાયા ગુમાવી હતી.