માણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરી
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા ચુડવા ગામના પ્રાચીન કુળદેવી સૈયળમાતાજીના મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટીનું તાળું તોડીને અંદરથી આશરે 70,000ની રોકડ રકમ ચોરી લીધી હોવાનું અનુમાન છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
ચુડવા ગામના રહેવાસી રાજુભાઈ નાગદાનભાઈ મિયાત્રા (આહીર)એ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજુભાઈના જણાવ્યા મુજબ, તેઓ મંદિરની સંભાળ રાખતા પરિવારના સભ્ય છે. સવારે લગભગ 8:30 વાગ્યે તેમના ભત્રીજા ભાવિકભાઈ નાજાભાઈ મિયાત્રા દર્શન કરવા ગયા હતા, ત્યારે તેમણે દાનપેટીનું તાળું તૂટેલું અને કડી વળેલી હાલતમાં જોઈ. દાનપેટીમાં જોતા મોટી રકમ ગાયબ હતી અને માત્ર થોડા પરચૂરણ જ બચ્યા હતા. આ ઘટનાની જાણ તરત જ પરિવારના અન્ય સભ્યોને કરવામાં આવી અને રાજુભાઈ તાત્કાલિક મંદિરે પહોંચ્યા. તેમણે દાનપેટીની હાલત જોઈ અને અંદરથી થયેલી ચોરીની ખાતરી કરી.
રાજુભાઈએ જણાવ્યું કે, દર વર્ષે નવરાત્રિના આઠમના દિવસે આ દાનપેટી ખોલીને દાનની ગણતરી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાંથી આશરે 1 લાખ જેટલું દાન એકઠું થતું હોય છે.
આ વર્ષે પણ દાનપેટીમાં આશરે 70,000ની રકમ એકઠી થઈ હોવાનો અંદાજ હતો. પરંતુ, અજાણ્યા ચોરોએ તે રકમ પર હાથ સાફ કરી દીધો છે. ઘટના બાદ રાજુભાઈએ પોલીસ તંત્રને આ અંગે જાણ કરી છે અને ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.