ભુુજમાં પાક ધિરાણ લોન રિન્યુ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂપિયા 1.45 કરોડની ઠગાઈ
શહેરમાં ગોલ્ડ લોન ઓક્શનમાં તથા પાક ધિરાણ લોન રિન્યૂ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂૂા. 1,45,08,000ની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ શહેર એ-ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાવાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, શૈલેશકુમાર ઋષિરાજ વ્યાસે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, બજાજ ફાઈનાન્સમાં કામ કરતો હોવાની ઓળખ આપી આરોપી અરિહંતનગરમાં રહેતા કરણ અનિલભાઈ ઉપાધ્યાયે ફરિયાદીને વર્ષ 2022માં ઈન્સ્યોરન્સ અંગે ફોન કરી જાણ કરી હતી, જે પછી કોઈ કામ હોય તો જણાવજો તેમ કહી અવારનવાર મેસેજ દ્વારા કર્યા હતા.
ગત ફેબ્રુ. 2024ના આરોપીએ ફરિયાદીને ચંદન કેપિટલ નામના પેજની ઈન્સ્ટાગ્રામ આઈડીની લિંક મૂકી હતી, જેમાં શેરબજાર અને ગોલ્ડ ઓક્શન તેમજ પાક ધિરાણ લોન સહિતમાં કાયદેસર રીતે ઓનલાઈન રોકાણ કરી સારું વળતર મળશે તેવી લાલચ આપી વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ આરોપીના ખાતામાં જુદા-જુદા માધ્યમથી ટુકડે-ટુકડે 41,18,000 જેટલી રકમ મોકલી આપી હતી. તે પછી ફરિયાદીના મિત્રો પાસેથી પણ રોકાણના નામે જુદા-જુદા માધ્યમ મારફતે વિવિધ રકમ મેળવી લીધી હતી. રોકાણ માટે આપેલા નાણાં પરત માગતાં આરોપીએ અવારનવાર બહાના બનાવ્યા હતા અને નાણાં પરત ન આપી પોતાના પરિવાર સાથે નાસી ગયો હોવાથી અંતે આ મામલે ફોજદારી દાખલ કરાવાઈ હતી. છેતરપિંડીના આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તથા તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે જાણવા સહિતની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.