ભાવનગરમાં પુત્રી સાથે ફોન પર વાત કરતા છાત્રને પિતાએ કલાસરૂમમાં ધસી જઇ છરીના ઘા ઝીંકયા
શહેરના એક જાણીતા શૈક્ષણીક સંકુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાત કરતો હોવાના કારણે આજે વિદ્યાર્થીનીના પિતા સ્કુલમાં ગયા હતા અને તેણે શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીને છરીના ચાર થી પાંચ ઘા મારી દેતા આ બનાવના પગલે સમગ્ર સંકુલમાં બારે દહેશતનો માહોલ ફેલાઇ ગયો હતો. હુમલો કરી વિદ્યાર્થીનીના પિતા ફરાર થઇ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વરતેજ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મહુવાનો રહેવાસી કાર્તિક નામનો વિદ્યાર્થી ભાવનગરની એક જાણીતા શૈક્ષણીક સંકુલમાં રી-નીટની તૈયારી કરે છે અને તે તેની સાથે અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે ફોન પર વાત કરતો હતો.આ બાબતની જાણ વિદ્યાર્થીનીના પિતા જગદીશભાઇ રાછડને થતાં સવારે તેમણે વિદ્યાર્થીના પિતા મનસુખભાઇ નાગોથને ફોન કરી તમારો દિકરો મારી દિકરી સાથે ફોન પર વાત કરે છે તમે શૈક્ષણીક સંકુલમાં આવો તેમ કહેતા મનસુખભાઇએ હુ રૂૂબરૂૂ મળી જઇશ તેવો જવાબ આપ્યો હતો.
દરમિયાનમાં થોડીવાર બાદ મનસુખભાઇને શૈક્ષણીક સંકુલમાંથી ફોન આવ્યો હતો કે, તેમારા દિકરાને છરી મારી હોય તેમ તુરંત આવો એટલે મનસુખભાઇ ભાવનગર આવ્યા ત્યારે તેમનો દિકરો ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં હતો અને તેની હાલત ગંભીર હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી જગદીશભાઇ રાછડ સ્કુલમાં આવ્યા ત્યારે શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થી કાર્તિક સાથે વાત ચાલતી હતી તે સમયે તુ કેમ મારી દિકરી સાથે વાત કરે છે ? તે કહી જગદીશભાઇએ અચાનક જ છરી કાઢી કાર્તિકને સાથળના ભાગે છરીના ત્રણ ઘા માર્યા હતા તો ખભાના ભારે અને ગોઠણના ભાગે પણ છરી મારી ઇંજા પહોંચાડી હતી.
ભાવનગર શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત OAJ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઇન્સ્ટિટયૂટની અંદર જ એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેના પગલે સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રીનેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીને ઇન્સ્ટિટયૂટના વેઇટિંગ રૂૂમમાં બોલાવી અચાનક છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો છે, જ્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.