ભાવનગરમાં ધો.9ના છાત્રએ સહપાઠીને છરી બતાવી
ભાવનગર શહેરના મેરૂૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમાં કોન્વેન્ટ સ્કુલમાં રિસેસ દરમિયાન ધોરણ-9ના વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીને છરી બતાવી ધમકી આપ્યાનો બનાવ બન્યો છે. બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કુલમાં થોડાં દિવસ પૂર્વે એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો ચકચારી બનાવ બન્યો હતો. ભાવનગર શહેરમાં આવી જ ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયું છે. શહેરના મેરૂૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમાં કોન્વેન્ટ સ્કુલ માં રિસેસ દરમિયાન ધોરણ-9 અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીને છરી બતાવી ધમકી આપી હતી. જે અંગે વિદ્યાર્થીએ શાળાના શિક્ષકને વાત કરતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સીટી ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે સીટી ડિવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અવારનવાર મસ્તી કરતા હતા અને તે બાબતે મનદુ:ખ રાખી એક વિદ્યાર્થીએ છરી લાવી બીજાએ છરી બતાવી ધમકાવ્યો હતો. આ બાબતની ગંભીરતા લઈ ફરિયાદ નોંધી બન્ને વિદ્યાર્થીઓની અટક કરી લેવામાં આવી છે. આ બનાવ અંગે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, સ્કુલના કમ્પાઉન્ડના પાર્કિંગ એરિયામાં રિસેસ દરમિયાન મસ્તીમાં સિરિયસ થતાં આ બનાવ બન્યો હતો. વિદ્યાર્થીઓના બેગ ચેક કરવામાં આવે છે પરંતુ તેઓ ગાડીની ડિકીમાં છરી રાખીને આવ્યા હતા. બન્ને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, મારો દિકરો તેના ફ્રેન્ડને બોલાવવા પાર્કિંગમાં જતો હતો ત્યારે એ છોકરો છરી લઈનો દોડયો હતો, મારો દિકરો ખસી જતાં છરી વાગી નહોતી. અવારનવાર તેઓ મારા દિકરાની મસ્તી કરતા ગળુ પકડતા હતા. આજે છરી બતાવી અને કોઈને વાત કરશે તો સ્કુલની બહાર મારશે તેવી ધમકી પણ આપી હતી.
આ ઘટનાના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને તેની ભુલના પરિણામ સહિતની બાબતોને આવરી લઇ કાઉન્સીલીંગ કરવા સૂચના અપાઇ છે. સાથે વાલી મિટીંગો કરી વાલી પણ તકેદારી રાખે તેવા પગલા ભરવા શાળાઓને જણાવાયું છે.