બાલાજી પાર્કમાં જૂના મનદુ:ખમાં બે પાડોશી વચ્ચે ફરી ધીંગાણું થયું
પાંચ વ્યક્તિને ઇજા, સામ સામી ફરિયાદ
જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા બે પાડાશીઓ વચ્ચે જૂની અદાવત ના કારણે ફરી મન દુ:ખ થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. જે મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતી છાયાબેન મનસુખભાઈ પરમાર નામની 42 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ચમન અને કરણ ઉપર લાકડાના ધોકા તેમજ હાથ માં પહેરવાના લોખંડના કડા વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે પોતાના પાડોશમાં રહેતા દેવાંગ રબારી, ભાવિન રબારી, અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે માતા પુત્રને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. બંને પરિવારો વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી, અને મનદુ:ખ ચાલતું હતું, જેનો ખાર રાખીને ગઈકાલે ફરી તકરાર થયા પછી આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. આ ઉપરાંત સામે પક્ષે દેવાંગ રામાભાઇ વાઢેર નામના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા કરણ મનસુખભાઈ, વિશાલ મનસુખભાઈ, ચીમન મનસુખભાઈ, ઉપરાંત મનસુખભાઈ પરમાર અને છાયાબેન મનસુખભાઈ વગેરે એકજ પરિવારના પાંચ શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. આ બનાવવા અંગે પીએસઆઇ એમ.વી. દવે વધુ તપાસ ચલાવી રહ્યા છે.