બાબરામાં યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો
ગોંડલના રીબડા પાસે આધેડ ઉપર એક શખ્સનો હુમલો
બાબરામાં પિતરાઈ ભાઈ સાથે હોટલમાં પાર્સલ લેવા ગયેલા યુવકને ચાર શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બાબરામાં રહેતાં હિતેશ કાળાભાઈ સરવૈયા (ઉ.25) રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પુજા વિહાર હોટલ ખાતે જમવાનું પાર્સલ લેવા ગયો હતો ત્યારે રવિ અને કિશન સહિતનાં ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં હિતેશ સરવૈયા પોતાના પિતરાઈ ભાઈ મનીષ સાથે જમવાનું પાર્સલ લેેવા ગયો હતો ત્યારે હુમલાખોર શખ્સોએ આ દલિત છે. તું દૂર ઉભો રહે તેવું કહી ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં હુડકો ચોકડી પાસે રહેતા કૈલાસભાઈ છગનભાઈ બંગેલ (ઉ.48) ગોંડલના રીબડા ગામ પાસે હતા ત્યારે બેરમાભાઈ નામના શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.