ખાંભામાં આડાસંબંધમાં યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી પતાવી દીધો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા નવા માલકનેશ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકની તેની પત્નીના આડા સંબંધોને લઈને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ મામલામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક યુવક મેહુલની પત્નીને ગામમાં રહેતા અલ્પેશ બારૈયા નામના યુવક સાથે પ્રેમસબંધ હતો. મેહુલને 10 દિવસ પહેલા જ પત્નીના આડાસબંધની જાણ થતાં તેણે અલ્પેશ સાથે ઝઘડો કરીને તેને ગામમાંથી કાઢી મૂક્યો હતો.
આ બાબતનો ખાર રાખીની અલ્પેશ આજે તેના બે અન્ય મિત્રો ગોપાલ બારૈયા અને હિતેસ સાથે મેહુલની પાસે આવ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલો અલ્પેશ છરી લઈને મેહુલ પર તૂટી પડ્યો હતો. મેહુલના શરીર પર છરીના 10 જેટલા ઘા ઝીંકી દેતા તે લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતુ.મેહુલની હત્યા બાદ ગોપાલ બારૈયા અલ્પેશ અને હિતેશને પોતાના બાઈક પર ગામની બહાર ડુંગરની વચ્ચે મૂકી આવ્યો હતો. જો કે આ બાબતની જાણ થતાં ખાંભા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.