60.83 લાખના હિરાચોરીમાં મહત્ત્વની કડી મળી
રાત્રે 2 વાગ્યે કારખાનામાં ઘુસેલો તસ્કર સવારે 4 વાગ્યે ચોરી કરી હાઈવે માર્ગે ભાગ્યો
શહેરના કોઠારિયા રોડ ઉપર પીરવાડી પાસે આવેલ હિરાના કારખાનામાં થયેલી રૂા. 60.83 લાખના હિરાની ચોરીમાં પોલીસને મહત્વની કડી મળી છે. આ ચોરીમાં હાલ એક તસ્કરનું પગેરું પોલીસને મળ્યું છે. જેણે બે કલાકમાં લોખંડની તિજોરી ધ્રીલથી તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસની ટીમે આ મામલે તપાસ કરતા ચોરી કરનાર શખ્સના હાઈવે સુધીના સીસીટીવીના ફૂટેજ મળ્યા છે. જેના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
કોઠારિયા રીંગ રોડ ઉફર પીરવાડી પાસે ધરમનગર સોસાયટીમાં બે મહિનાથી ખોડિયાર ડાયમંડ નામનું હિરાનું કારખાનું ચલાવતા વિપુલભાઈ વિરજીભાઈ ગોંડલિયાના કારખાનામાં રૂા. 60.83 લાખના હિરાની ચોરી થઈ હોય જે મામલે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો છે. આ ચોરીનો ભેદ ઉકેલવા ભક્તિનગર પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ, એલસીબી,ની ટીમ કામે લાગી હોય જેમાં સીસીટીવી ફૂટેજમાં પોલીસને મહત્વની કડી મળી છે. ચોરી કરનાર શખ્સ રાત્રે 2:15 કલાકે કારખાનામાં ઘુસ્યો હોય અને સવારે 4:30 કલાકે તે ચોરી કરીને બહાર નિકળી ગયા બાદ હાઈવે સુધીના તેના સીસીટીવી ફુટેજ મળ્યા છે. આ ચોરીના મામલે પોલીસે આ તસ્કરનું પગેરુ મેળવવા બાદ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
તેમજ રાજકોટને જોડતા તમામ હાઈવે ઉપર પોલીસે નાકાબંધી કરી હોય પરંતુ કોઈ મહત્વની માહિતી મળી નથી. ચોરીમાં એક જ શખ્સ સંડોવાયેલ હોય તે મામલે હાલ તો પોલીસે કારખાનાના 44 જેટલા કર્મચારીઓની તથા આંગડિયા પેઢીના ત્રણ કર્મચરીઓની ઉલટ પુછપરછ શરૂ કરી છે. પોલીસને સીસીટીવી કેમેરામાં જે શખ્સ દ્રશ્યમાન થયો છે અને તે શખ્સ કોણ છે તે જાણવા માટે ક્રઈઈમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસે બાતમીદારને કામે લગાડ્યા છે.