દરેડ-મસીતિયા રોડ પરથી દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કારસ્તાન
પાંચ બાટલા સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત
જામનગર નજીક દરેડ-મસીતીયા રોડ પર આવેલી એક દુકાનમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે રાંધણ ગેસના બાટલામાંથી ગેસ રીફિલિંગ નું કારસ્તાન પકડી પાડયું છે, અને બે શખ્સો ની અટકાયત કરી લઈ નાના મોટા પાંચ નંગ ગેસના બાટલા તથા તેને લગતી સામગ્રી કબજે કરી લેવામાં આવી છે.જામનગર નજીક દરેડ મસીતીયા રોડ પર દુકાન ધરાવતા યાસીન ઉર્ફે ઘોઘો લતીફભાઈ સુમરા તેમજ ઈકબાલ ફિરોજભાઈ ખફી દ્વારા પોતાની દુકાનમાં મોટા સરકારી રાંધણ ગેસના બાટલા માંથી ગેરકાયદે રીતે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે નાના બાટલાઓમાં ગેસ રીફીલિંગનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. જે બાતમી ના આધારે આજે સવારે પોલીસે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન બંને શખ્સો દ્વારા ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું હતું, અને ગેસના સરકારી બાટલામાંથી નાના બાટલાઓમાં ગેસ રીફીલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું.
જેથી બનાવના સ્થળેથી પોલીસે નાના મોટા પાંચ નંગ રાંધણ ગેસના ખાલી-ભરેલા બાટલાઓ કબજે કર્યા છે, ઉપરાંત તેને લગતી સામગ્રી પ્લાસ્ટિકની પાઇપ, રેગ્યુલેટર, લોખંડની નોઝલ, ઇલેક્ટ્રીક મોટર, ઈલેક્ટ્રીક વજન કાંટો સહિતની સામગ્રી કબજે કરી લીધી છે, અને બંને શખ્સો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 287 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે, સાથો સાથ પુરવઠા શાખા ને પણ જાણ કરવામાં આવી છે.