વઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યા
વહેલી સવારે પતિએ પૈસા મામલે માથાકૂટ કરી ન આપતા ઇંટ અને પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો, માસુમોએ માતાની છત્રછાયા ગુમાવી
મુળ એમ.પી.નો પરીવાર વઢવાણ તાલુકાના ગુંદીયાળા ગામે છેલ્લા 3-4 માસથી વાડી ભાગવી રાખી ખેતમજુરી કરતો હતો. ત્યારે પરીવારની મહિલા શેઠ પાસેથી ઉપાડ લેતી હતી. આ ઉપાડના પૈસા પતિએ માંગતા અને પત્નીએ આપવાનીના પાડતા બન્ને વચ્ચે તા.1ને સોમવારે વહેલી સવારે ઝઘડો થયો હતો.
જેમાં પતિએ ઈંટ અને પથ્થરના ઘા માથાના ભાગે મારી પત્નીનું મોત નીપજાવ્યુ હતુ. બનાવની જોરાવરનગર પોલીસ મથકે વાડી માલીકે હત્યાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે. વઢવાણ તાલુકાના ગુંદીયાળા ગામે 46 વર્ષીય ઉપેન્દ્રભાઈ છગનભાઈ પટેલ રહે છે. તેઓને ગામની સીમમાં 6 એકરની વાડી આવેલી છે. આ વાડી છેલ્લા 3-4 માસથી મુળ એમ.પી.ના અલીરાજપુર જિલ્લાના કઠેવાડા તાલુકાના રોડઢુ ગામના કાલીયા ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ઓહરીયાને 27 ટકા ભાગથી વાવવા આપેલ છે. વાડીમાં ખેતમજુરી માટે કાલીયા, તેની પત્ની નુરલીબેન ઉર્ફે નુરી, તેમના 2 દિકરાઓ પીન્ટુ અને રાહુલ રહેતા હતા. આ પરીવારમાંથી ખેતમજુરીનું કામ કાલીયા ઓછુ કરતો હતો. અને નુરીબેન તથા તેમના 2 બાળકો જ કામ કરતા હતા. અને જયારે જયારે તેઓને ઉપાડની જરૂૂર પડે ત્યારે ઉપેન્દ્રભાઈ નુરીબેનને જ આપતા હતા.
જયારે નુરીબેન પણ મારા પતિ કંઈ કામધંધો કરતા નથી, અને મારી પાસેથી રૂૂપીયા લઈ વાપરી નાંખે છે. જેથી ઉપાડના પૈસા તેમને જ આપવા કહેતા હતા.
અને કાલીયા ઉપાડ માટે ઉપેન્દ્રભાઈ પાસે આવે તો તે તેને ના પાડતા હતા. આથી કાલીયા અવારનવાર તેની પત્ની નુરીબેન પાસે ઉપાડના રૂૂપીયા માંગતો અને બન્ને વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા હતા. તા. 1-9ના રોજ વહેલી સવારે કાલીયાનો દિકરો પીન્ટુ ઉપેન્દ્રભાઈ પાસે આવ્યો હતો અને મારા માતા-પિતા વચ્ચે ઝઘડો થયો છે અને મારા પિતાએ મારી માતાના માથામાં ઈંટો મારી છે તેમ કહેતા ઉપેન્દ્રભાઈ તેની સાથે વાડીની ઓરડીએ ગયા હતા. અને સરપંચને ફોન કરી ત્યાં બોલાવ્યા હતા. જયાં જઈને જોતા નુરીબેન બેભાન હાલતમાં પડયા હતા અને તેના માથામાંથી લોહી વહેતુ હતુ. આ અંગે નાના દિકરા રાહુલે જણાવ્યુ કે, વહેલી સવારે 4 કલાકે તેના પિતા કાલીયાએ માતા નુરીબેન પાસે 100 રૂપીયાની માંગણી કરી હતી.
જેમાં નુરીબેને મારી પાસે પૈસા નથી તેમ કહેતા કાલીયાએ તું શેઠ પાસેથી ઉપાડ તો લઈ આવે છે, તેમાંથી મને આપ તેમ કહી બોલાચાલી કરી હતી. અને બાજુમાં પડેલ ઈંટ તથા પથ્થર લઈને નુરીબેનના માથે માર્યા હતા. આથી ગામલોકો નુરીબેનને યુટીલીટી માં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલ લઈ ગયા હતા અને બનાવની જાણ જોરાવરનગર પોલીસને કરી હતી. દવાખાને પહોંચતા તબીબોએ નુરીબેનને મૃત જાહેર કર્યા હતા. આથી પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અને ઉપેન્દ્રભાઈની ફરિયાદની આધારે કાલીયા ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ઓહરીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. અને પીઆઈ એચ.જી.ગોહીલ સહિતની ટીમે ગણતરીની કલાકમાં હત્યારા પતિ કાલીયાને ઝડપી લીધો હતો.