શાપરમાં બાળકો મૂકી ભાગેલી પત્ની પરત આવતા પતિએ લાકડીથી માર માર્યો
શાપરમાં બાળકો મૂકી ભાગી ગયેલી પત્ની પરત ઘરે આવતા પતિએ લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા શીતળામાં માતાજીના મંદિર પાસે ઝુપડપટ્ટીમાં રહેતી મનિષાબેન મુકેશભાઈ મસાર નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી.
ત્યારે પતિ મૂકેશ મસારે લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મનિષાબેન મસાર ગઈકાલે બાળકો મૂકી બીજા સાથે ભાગી ગઈ હતી અને પરત ઘરે આવતા જ પતિએ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ચોટીલામાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા પ્રકાશ અનકભાઈ વરડા નામનો 40 વર્ષનો યુવાન સવારના અગિયારેક વાગ્યાના અરસામાં ચોટીલા મેઇન બજારમાં હતો. ત્યારે શાંતુભાઇ અને લાલાભાઇ સહિતના અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.