દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને માર માર્યો
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા બાલાજી હોલ પાસે દંપતી વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પતિએ પત્નીને માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે રહેતી શર્મિલાબેન ફતેસિંહ મારવાડી નામની 32 વર્ષની પરિણીતા સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં બાલાજી હોલ પાસે હતી. ત્યારે તેના પતિ ફતેહસિંહ મારવાડીએ ઝઘડો કરી પાઇપ વડે માર્યો હતો.
પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ ઉપરાંત બીજા બનાવમાં ભક્તિનગર સ્ટેશન પાસે આવેલ ગોડાઉન રોડ ઉપર રહેતા નવલભાઇ શિવલાલભાઈ કનેરીયા નામના 63 વર્ષના વૃદ્ધ મનહર પ્લોટમાં આવેલી પોતાની વિશાલ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં હતા ત્યારે ભૂલથી એસિડ પી લીધું હતું. નવલભાઇ કનેરીયાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.