જસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યો
ભાડલાના રણજીતગઢ ગામે વાડીમાં પતિ સાથે ઝડો થતા પત્નીને મારમારી તેનો કાન કાપી નાખતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે હવે ભાડલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી વિગતો અનુસાર, જસદણના રણજીતગઢમાં રહેતા ભુરીબેન ધનિસિંગભાઇ ડાવર (ઉ.વ.45) નામના મહિલાને કાન કાપેલી અને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલમાં ખસેડવામાં આવી હતી.
ભુરીબેન મુળ મધ્યપ્રદેશના વતની છે હાલ અહીં ચાર મહિનાથી તેમના પતી અને સંતાનો સાથે રાજકોટ જિલ્લાના ભાડલાના રણજીત ગઢ ગામે અશ્ર્વિનભાઇની વાડીમાં ખેત મજુરી કરે છે. તેણીએ જણાવ્યું હતુ કે, પતિ દારૂ ઢીંચીને ઝઘડો કરતો હોય જેથી તેમને દારૂ પીવાની ના પાડતા ઝઘડો કરી માર માર્યો હતો અને કાન કાપી નાખ્યો હતો. આ ઘટના સમયે તેમના સંતાનો વાડીએ પાણી પાવા ગયા હતા. આ અંગે ભાડલા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે. આ ઘટના બાદ પતિ ક્યાંક ભાગી ગયો હતો.