સાવકી પુત્રી સાથે અડપલા કરતા પતિને પત્ની અને સાળાએ પતાવી દીધો
જામજોધપુર પંથકમાં માર્કેટિંગ યાર્ડમાં એક મહિલાની તેના પતિ દ્વારા જ હત્યા નિપજાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પત્ની દ્વારા પતિની હત્યા નિપજાવ્યાનો વધુ એક કિસ્સો સામે આવતાં હાહાકાર મચી ગયો છે. જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. પાપ છાપરે ચડીને પોકારે, તે રીતે દુર્ગંધ આવતાં આખરે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું, અને કોથળામાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાયો હતો, અને મૃતક ની ઓળખ થઈ હતી. તેની પત્ની અને સાળાએ જ હત્યા નિપજાવી હોવાનું સામે આવતાં પોલીસે બંને સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને અટકાયત કરી લીધી છે. પોતાની આગલા ઘરની પુત્રીઓ સાથે મૃતક અડપલાં કરતો હોવાના કારણે આ હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.
જામજોધપુર પંથકમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર કેજે છેલ્લા કેટલાક દિવસથી લાપતા બન્યો હતો, અને તેની પત્ની રાધાબેન તેમજ તાજેતરમાં જ તેમની સાથે કામ કરવા માટે આવેલો રાધા બેનનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે કે જે બંનેએ મૃતક સોહમ પોતાના વતનમાં ગયો છે, તેવું વાડી માલિકને જણાવ્યું હતું. ત્યારબાદ વાડીમાં અજગર નીકળે છે, તેવા બહાનાઓ બતાવીને બીજી વાડીમાં કામ કરવા માટે બન્ને ચાલ્યા ગયા હતા.
દરમિયાન ગઈકાલે બાજુની વાડીના ખેડૂતોને કુવામાં દુર્ગંધ આવતી હોવાથી તેઓએ 112 નંબરની જનરક્ષક પોલીસ ટીમને બોલાવી લીધી હતી, અને તપાસણી કરતાં કોથળામાંથી બે માનવ ના પગ દેખાયા હતા. ત્યારબાદ કોથળા ને બહાર કઢાવીને ચેક કરતાં તેમાંથી સોહમ રામકિશન ભાભોર નો કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસ તંત્ર ચોકી ગયું હતું.
દરમિયાન જામજોધપુરના પી.આઈ. એ. એસ. રબારી અને તેઓની ટીમે મૃતક ની પત્ની રાધાબેન અને પત્તલસિગ કે જેઓ અન્ય વાડીમાં કામ કરતા હતા, તે બંનેને બોલાવીને તેઓની પૂછપરછ કરતાં આખરે તેઓ બંનેએ જ આ હત્યા નિપજાવી હોવાનું અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ અને પથ્થર સાથે કોથળામાં બાંધી કૂવામાં ફેંકી દીધો હોવાની કબુલાત આપી હતી.
પૃથક ની પત્ની રાધાએ જણાવ્યું હતું કે પોતાની સાથે સોહમ ના લગ્ન પહેલા અગાઉ પણ લગ્ન થયા હતા જે પૈકી બે પુત્રીઓ જન્મી હતી, જે પોતાની સાથે રહેતી હતી. બનાવની રાત્રે આગલા ઘરની પુત્રીઓને શુભમ અડપલા કરી હેરાન પરેશાન કરી રહ્યો હોવાથી ઉસકેરાટમાં આવી જઈ, રાધાબેન અને તેના ભાઈ પત્તલસિંગે સાથે મળીને લાકડાના ધોકા થી સોહમ ને માર મારી પતાવી દીધો હતો, પુરાવાનો નાશ કરવાના ભાગરૂૂપે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકીને પોતે બીજી વાડીમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે, તેમ આખરે મામલો સામે આવી ગયો હતો, અને પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા વાડી માલિક નગાભાઈ ભીખાભાઈ જાડેજા ની ફરિયાદ ના આધારે તેના ખેત મજુર સોહમની હત્યા નીપજાવવા અંગે સોહમની જ પત્ની રાધાબેન અને તેના સાળા પત્તલસિંગ સામે હત્યા અંગે અને પુરાવાનો નાશ કરવા સંબંધેની જુદી જુદી કલમો હેઠળ નોંધ્યો છે, અને બંને ની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે.