થાનગઢના લાખામાચીમાં પતિનો સાસુ-સસરા સહિત ત્રણ પર હુમલો
થાનગઢ તાલુકાના લાખામાચી ગામે પત્નીને તેડવા આવેલા પતિ અને તેના જેઠે સાસરીમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં સાસુ, સસરા અને સાળાને માર મારવામાં આવ્યો હતો. પત્નીએ પોતાના પતિ અને જેઠ વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાખામાચી ગામના ગૌરીબેન રાઠોડના લગ્ન ચોટીલા તાલુકાના સાલખડા ગામે રહેતા ભરતભાઈ દેવશીભાઈ સાગઠીયા સાથે થયા હતા. છેલ્લા ત્રણ મહિનાથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો, જેના કારણે ગૌરીબેન પોતાના પિયરમાં રહેતા હતા.આ અણબનાવના કારણે ભરતભાઈ અને તેમના મોટાભાઈ મહેશભાઈ ગૌરીબેનને પાછા લઈ જવા માટે લાખામાચી ગામે તેમના પિયર પહોંચ્યા હતા.ત્યાં પત્નીને લઈ જવા બાબતે માથાકૂટ થઈ હતી.
આ દરમિયાન ભરતભાઈ અને મહેશભાઈએ ગૌરીબેનના સાસુ, સસરા અને સાળા પર હુમલો કરી માર માર્યો હતો.હુમલા બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ ગૌરીબેને તેમના પતિ ભરતભાઈ અને જેઠ મહેશભાઈ વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.