ભાવનગરમાં પત્નીની સામે જોઈ ગીત ગાવાની ના કહેતા પતિ પર હુમલો
મંદિરે દર્શન કરવા ગયેલા શખ્સે ‘જાનું તું મારી નહીં તો કોઈની નહીં’ તેવું ગીત ગાયું હતું
માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલી મહિલા સામે જોઇને જાનુ તુ મારી નહી તો કોઇની નહી તેવુ ગીત ગાનારા શખ્સને મહિલાના પતિએ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખ્સે મહિલાના પતિને તેમજ તેની પત્નિને માર માર્યો હતો. મહુવા પોલીસે આ બનાવ અંગે ત્રણ શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મથુરભાઇ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભૂપત ઉર્ફે ભોપો, ભુપતની પત્નિ અને તેનો દિકરો વિશાલનું નામ જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી તેના પત્નિ સાથે મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યારે ત્યાં આરોપી ફરિયાદીની પત્નિ સામે જોઇને જાનુ તુ મારી નહી તો કોઇની નહી તેવુ ગીત ગાતો હોય ફરિયાદી તુ કેમ મારી પત્નિ સામે જોઇને ગીત ગાય છે ? તે જણાવતા આરોપી જતો રહ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી અને તેના પત્નિ બાઇક પર ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદીને મહાકાળીનગર ચોકડી પાસે અટકાવી માર માર્યો હતો.
ફરિયાદીને નાકના ભાગે વાગતા લોહી નિકળવા લાગ્યું હતું. આરોપીઓએ ફરિયાદીના પત્નિને પણ માર માર્યો હતો. આ બનાવ બાદ ફરિયાદી તેના ઘરે ગયા તો તેમના ઘર પર પણ આરોપીઓએ પથ્થર ફેંક્યા હતા અને ફરિયાદીના બાપુજીને પણ માર માર્યો હતો. આ બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતાં પોલીસે ત્રણે આરોપીઓ સામે ગુનો દાખ લ કરી વધુ તપાસ હાથ ધરી છે.