‘પતિ-પત્ની ઔર વો’:કારખાનેદારે પ્રોફેસર પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યો
શહેરમાં ‘પતિ-પત્ની ઔર વો’નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્કમાં પુત્રીને ક્લાસ કરાવવા આવતી મહિલા પ્રોફેસરને કારખાનેદાર સાથે આંખ મળી ગઈ હતી. ગઈકાલે પ્રેમી યુગલ ભક્તિનગર સર્કલ પાસે હતું. ત્યારે પત્ની જોઈ જતા કારખાનેદાર પતિએ પ્રોફેસર પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ હતી અને બાદમા સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં 80 ફૂટ રોડ ઉપર આવેલ સત્યમ પાર્કમાં રહેતી જયશ્રીબેન નવીનભાઈ ચાંડપા નામની 41 વર્ષની પરિણીતા રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં ભક્તિનગર સર્કલ પાસે હતી ત્યારે તેના પતિ નવીન ચાંડપા અને તેની પ્રેમિકા પૂજાબેન બંધીયાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. જયશ્રીબેન ચાંડપાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર નવીનભાઈ ચાંડપા 80 ફૂટ રોડ ઉપર શ્રીરામ ટ્રેડિંગ નામનું કારખાનું ધરાવે છે.
અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે મારવાડી કોલેજમાં ફરજ બજાવતી મહિલા પ્રોફેસર પૂજાબેન બંધીયા કારખાનેદાર નવીનભાઈ ચાંડપાની પુત્રીને ઘરે ક્લાસ કરાવવા આવતી હતી તે દરમિયાન છેલ્લા આઠ માસથી કારખાનેદાર નવીનભાઈ ચાંડપા અને મહિલા પ્રોફેસર પૂજાબેન બંધિયા વચ્ચે આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે નવીનભાઈ ચાંડપા અને પૂજાબેન બંધીયા ભક્તિનગર સર્કલ પાસે હતા ત્યારે પત્ની જયશ્રીબેન ચાંડપા જોઈ જતા બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિ નવીન ચાંડપાએ પ્રેમિકા પૂજાબેન બંધીયા સાથે મળી જયશ્રીબેન ચાંડપાને માર માર્યો હતો અને બાદમાં સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.