મહિકાના પાટિયા પાસે પત્ની ઉપર પતિ અને દિયરનો છરીથી હુમલો
શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલા મહિકાના પાટીયા નજીક રહેતી મહિલા ઉપર પતિ અને દીયરે ઝઘડો કરી છરીથી હુમલો કરતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહિલા તેની માતા સાથે વાત કરતી હોય જે પતિને નહીં ગમતાં ઝઘડો કરી દીયરે છરીના ઘા ઝીંકી દીધા હતાં.
આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, મહિકાના પાટીયા પાસે આવેલી રાધિકા સોસાયટી પાસે રહેતી અરૂણાબેન મહેશભાઈ સોલંકી (ઉ.35) નામની મહિલાએ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ મહેશ બાબુભાઈ સોલંકી અને દીયર સંજય બાબુભાઈ સોલંકીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત રાત્રે તેણી ઘરે હતી ત્યારે તેની માતા પાંચીબેન સાથે ફોનમાં વાત કરતી હતી જે પતિને નહીં ગમતાં તેણે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને હાલ તને તારા પિતાના ઘરે મુકી જાઉ. તેમ કહી બાળકો સાથે રીક્ષામાં બેસાડી પિતાને ઘરે જવા નીકળ્યા હતાં.
દરમિયાન મહિકાના પાટીયા પાસે પહોંચતાં તેનો દીયર સંજય ઉભો હોય જેથી પતિ એ રીક્ષા ઉભી રાખી હતી અને ઝઘડો કરવા લાગતાં પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન તેના દીયરે છરી વડે હુમલો કરી પેટના ભાગે અને હાથના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં. બાદમાં પતિ અને દીયર નાસી છુટયા હતાં. જેથી 108 મારફત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે આજી ડેમ પોલીસે મહિલાની ફરિયાદ પરથી તેના પતિ અને દીયર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.