જામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. ગૃહ કંકાસના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ ધારદાર હથીયાર વડે હુમલો કરી દીધો હતો, અને પત્નીને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા બાદ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે પતિ સામે હત્યા અંગેનો ગુનો નોધ્યો છે.
હત્યાના આબનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ માં શ્રમિકોની મજૂરોની વસાહતમાં એક ઓરડીમાં સવારના દસેક વાગ્યાના અરસામાં ખુની ખેલ ખેલાયો હતો. ગુલીબેન નારિયાભાઈ બામણીયા નામની 25 વર્ષની પરપ્રાંતીય શ્રમિક મહિલા ઉપર ગૃહ કંકાસના કારણે પતિએ ઉશ્કેરટમાં આવી જઈ કુહાડી જેવા ધારદાર હથીયારનો ઘા ઝીંકી દીધો હતો. જેથી શ્રમિક મહિલા લોહી લુહાણ થઈને ઢળી પડી હતી, અને પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ઇજાગ્રસ્ત ગુલીબેન ને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં બપોર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવને લઈને જામજોધપુરનો પોલીસ કાફલો સૌપ્રથમ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડતો થયો હતો. શ્રમિક મહિલાના અન્ય કુટુંબીજનો જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ભારે રુદન કર્યું હતું.
જામજોધપુર પોલીસ દ્વારા આ બનાવ અંગે ગુલીબેનના પતિ નારિયાભાઈ બામણીયા સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે. ગૃહ કંકાસના કારણે આ હત્યા નિપજાવાઈ હોવાનું અને મૃતક મહિલાને ત્રણ સંતાનો હોવાનું જાણવા મળ્યું છે.