જેતપુરના હીસ્ટ્રીશીટરની રાજકોટમાં પત્નીના પ્રેમીના હાથે હત્યા
મહિલાને સાથે રાખવા બાબતે બન્ને વચ્ચે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી, હત્યારા રિક્ષાચાલકની ધરપકડ
રાજકોટમાં 80 ફૂટ રોડ પર રહેતા અને ભટક્તું જીવન ગાળતા મુળ જેતપુર તાલુકાના પેઢલા ગામના વતની હીસ્ટ્રીશીટની તેના પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઇ છે. હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીની ક્લાકોમાં હત્યારા રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. મૃતકની પત્ની કોની સાથે રહેશે તે બબાતે બન્ને વચ્ચે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જેતપુર તાલુકાના પેઢલા ગામના વતની અને હાલ રાજકોટમાં રખડતું ભટકતું જીવન જીવતા મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતી નામના 40 વર્ષના યુવકનો 80 ફૂટ રોડ ઉપર આવેલા અમૂલ સર્કલ પાસેથી માથામાં ઇજા અને કાનમાંથી લોહી વહેતું હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા ડીસીપી જગદીશ બંગરવા તથા થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલા સહિતનો સ્ટાફ તેમજ એલસીબી ઝોન-2ના પીએસઆઇ રામદેવસિંહ ઝાલા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પોલીસે મૃતક મુકેશભાઈ ગુજરાતીને બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા વ્યક્ત કરી મુકેશભાઈ ગુજરાતીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મુકેશભાઈ ગુજરાતી મૂળ જેતપુરના પેઢલા ગામનો વતની હતો અને દારૂૂ, લૂંટ અને હત્યા જેવા ગુનામાં હિસ્ટ્રીશીટર હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તેની પત્નીને સંજય નામના રીક્ષા ચાલક સાથે પ્રેમ સંબંધ હતો. જેના કારણે મુકેશભાઈ ગુજરાતી અને રીક્ષા ચાલક સંજય ઉર્ફે સાગર મનસુખ મકવાણા વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો.
બાદમાં રીક્ષા ચાલક સંજયે મુકેશભાઈ ગુજરાતીની હત્યા કરી હોવાની શંકાએ પોલીસે તેને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.મૃતક મુકેશ અરજણ ગુજરાતી મુળ જેતપુરના પેઢલા ગામનો વતની હતો અને તેની પત્નીને રીક્ષાચાલક સંજય સાથે પ્રેમ સંબંધ હોય પત્ની કોની સાથે રહેશે તે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. મુકેશની પત્ની થોળા દીવસ સંજય સાથે અને થોળા દિવસ મુકેશ સાથે રહેતી હોય જે બાબતે ઘણા વખતથી ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો અને મુકેશની તેની પત્નીના પ્રેમીએ હત્યા કરી નાખી હતી.