પોકસો એકટના ગુનામાં 20 વર્ષ સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન પર મુકત કરતી હાઈકોર્ટ
સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો’તો
રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોકસો એકટના ગુન્હામાં 20 વર્ષ કેદની સજાના હુકમ સામેની અપીલમાં હાઇકોર્ટે આરોપીની સજા સસ્પેન્ડ કરી જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ભક્તિનગર વિસ્તારમાં રહેતા એવા ભોગ બનનારના પિતાએ ગત તા.27/ 04/ 2022ના રોજ પોલીસ સ્ટેશનમાં પોતાની 16 વર્ષની સગીર વયની પુત્રી સાથે જામનગર રોડ પર રહેતા આરોપી વિશાલ ચનાભાઈ પરમારે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
જેની તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોઇ, તેમાં આરોપી સગીરાને સ્કૂલેથી પોતાની સાથે પોતાના મિત્રના ઘરે લઈ ગયેલ હોય ત્યાં ભોગ બનનારની સાથે આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધેલની હકીકત તપાસમાં ખુલવા પામી હતી, જેના અનુંસંધાને પોલીસ દ્વારા સગીરાને રાજકોટ સ્પે. પોકસો કોર્ટના જજ સમક્ષ રજુ કરતા ભોગ બનનાર અને આરોપીનું મેડિકલ સેમ્પલ લઈ તેને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવેલ. જેથી પોલીસે આઈ.પી.સી.ની કલમ 376(2)(એન) તેમજ પોકસો એકટ ની કલમ 4, 6, 12, 17 નો ઉમેરો કરી.
ચાર્જશીટ મૂક્યું હતું. જે કેસ ચાલી જતા ફરીયાદ પક્ષ તરફથી કુલ-10 સાહેદોને તપાસવામાં આવેલ તેમજ 19-ડોક્યુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અતિ મહત્વના ગણતા સાહેદ એટલે કે ભોગ બનનારની કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીકત મુજબની જુબાની આપેલ. જેથી પોકસો અદાલતે તા.30/01/2025ના રોજ આરોપીને તકસીરવાર ઠરાવી 20 વર્ષ કેદની સજાનો હુકમ ફરમાવેલ,જે હુકમ સામે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરી હતી.
જેમાં આ કેસ ભોગબનનારને આરોપી સાથે પ્રેમસંબંધનો હોય અને પરીવારજનો તેની વિરૂૂધ્ધમાં હોય તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કરી આરોપી સામે પોકસોના ગુન્હામાં થયેલ 20 વર્ષની કેદની સજાનો હુકમ મોકૂફ રાખી તાત્કાલીક અસરથી આરોપીને જામીન મુકત કરવા હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદગારીમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયા છે.