પાન-ફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં મુખ્ય સૂત્રધારના પુત્રને જામીન મુક્ત કરતી હાઈકોર્ટે
શહેર માલવીયા ફાટક પાસે ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી પાનફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા મુખ્યસૂત્રધારના પુત્રને હાઈકોર્ટે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં માલવીયા ફાટક પાસે વિકી સુરેશભાઈ સોલંકી અને સુરેશભાઈ સોલંકી પિતા પુત્ર તેમની પાનની કેબિને હતાં ત્યારે રાજુ બાબુ અને લોહાનગરમાં રહેતા વિજય વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પાન ધંધાર્થી પિતાપુત્ર વગેરે ઝઘડો નહિં કરવા સમજાવી વચ્ચે પડ્યા હતા. જે બાબતનો ખાર રાખી રાજુ બાબુએ અન્ય શખસોને બોલાવી તલવારો, પાઈપ, ધોકા અને છરીથી હુમલો કર્યો હતો. જે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ હુલાભાઈ સોલંકીનું મોત નીપજ્યું હતું. ભક્તિનગર પોલીસે પ્રકાશ બાબુભાઇ સોલંકી, રાજુ બાબુભાઇ સોલંકી, શૈલેષ ભીમાભાઇ સોલંકી, નિલેષ ભીમાભાઇ સોલંકી, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજીભાઈ, યોગેશ ભગવાનજીભાઇ તથા ભીમા બાબુભાઇ સોલંકી મળી 9 આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશીશ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદને આધારે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા આરોપી જેલ હવાલે કર્યા હતા. બાદ આરોપીઓ પૈકી શૈલેષ ભીમા સોલંકીના સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતા પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જે જામીન અરજી ચાલી જતાં ફરિયાદપક્ષ તથા આરોપીપક્ષની દલીલો, ઉચ્ચ ન્યાયાલયો ના ચુકાદાઓ તેમજ કેસ ના સંજોગોને ધ્યાને લઈ હાઇકોર્ટ દ્વારા આરોપી શૈલેષ ભીમા સોલંકીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવામાં કરવામાં આવી હતી.
આ કેસમાં આરોપીના બચાવ પક્ષે હાઇકોર્ટમાં વિશાલભાઈ આણંદજીવાલા, રાજકોટના વકીલ રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ અને રહિમભાઈ હેરંજા રોકાયા હતા.