બહુચર્ચિત ટંકારા જુગારકાંડમાં નાસતા ફરતા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી પોલીસમાં હાજર
વોન્ટેડ જાહેર થયા બાદ લીંબડી પોલીસમાં હાજર થયા : ‘ખોટી રેડ’ પ્રકરણમાં તપાસ તેજ કરાઇ
રાજકોટના જાણીતા જવેલર્સના માલીક સહિત નવ આરોપીને પકડી લેતા ખળભળાટ મચ્યો હતો
મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક આવેલી કમ્ફર્ટ હોટેલમાં ધમધમતા હાઈપ્રોફાઈલ જુગારધામ મામલે ખોટી રેડ કરવાના પ્રકરણમાં નાસતા ફરતા પોલીસકર્મીઓ પૈકી એક, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ લીંબડી પોલીસ મથકે હાજરી આપી છે. તેમની સામે ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ આ ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે, જે સમગ્ર પોલીસબેડામાં ફરીથી ચકચાર જગાવી રહ્યો છે. ગત તા. 25 ઓક્ટોબરના રોજ ટંકારા તાલુકાની હદમાં આવેલી હોટેલ કમ્ફર્ટમાં ઇન્ચાર્જ પીઆઈ વાય.કે. ગોહિલે દરોડો પાડી ₹12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત કુલ 63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત 9 આરોપીઓને પકડી પાડ્યા હતા. જોકે, આ દરોડા બાદ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો અને વહીવટની ચર્ચાઓ પણ ઉઠી હતી.
આ મામલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઇન્ચાર્જ પીઆઈ વાય.કે. ગોહિલને વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા જિલ્લામાં બદલી કરી દેવામાં આવી હતી. આ જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતની ટીમે રૂૂબરૂૂ ધામા નાખ્યા બાદ એક ધગધગતો રિપોર્ટ સુપ્રત કર્યો હતો. ત્યારબાદ ટંકારા પોલીસ સ્ટેશનમા કલમ 188, 233, 228, 201, 335, 338, 340, 308(2), 3(5), 61, 54 તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારા અધિનિયમ-2018)ની કલમ 7,12,13(1)એ તથા 13(2) મુજબના ગુના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.