તાલાલામાં હોર્ન વગાડવા મામલે જૂથ અથડામણ
પોલીસે બન્ને જૂથોને વિખેર્યા, બે વ્યક્તિને ઇજા: હોસ્પિટલમાં બંદોબસ્ત રાખવો પડયો
તાલાલા શહેરના ગુંદરણ રોડ પર રેલવે ફાટક પાસે બુધવારે સાંજે 5 વાગ્યે હોર્ન વગાડવાના મુદ્દે શરૂૂ થયેલી બોલાચાલી ભયાનક જૂથ અથડામણમાં ફેરવાઈ હતી. આ ઘટનામાં સીદી બાદશાહ જૂથ અને અન્ય સમાજના યુવાનો વચ્ચે મારામારી થઈ હતી, જે બાદમાં અન્ય લોકો પણ આ અથડામણમાં સામેલ થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
પોલીસની હાજરીમાં સારવાર માટે ગયા ત્યાં ફરી બંને ટોળા સામસામે આવી જતા ફરી બાખડ્યા હતા. આ ઘટના પોલીસની હાજરીમાં બની હતી.જોકે, વધારે ફોર્સ આવતા સ્થિતિને પોલીસે કાબૂમાં લીધી હતી.
મોટરસાઈકલના હોર્ન વગાડવાના મુદ્દે સીદી બાદશાહ જૂથ અને અન્ય સમાજના યુવાનો વચ્ચે બોલાચાલી શરૂૂ થઈ હતી. આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ અને અન્ય પરિચિત લોકો અને સમાજના સભ્યો પણ આ અથડામણમાં પડ્યા હતા. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે બંને જૂથો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો.
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને જૂથોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ક્રિષ્ના હોસ્પિટલ અને તાલાલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પથ્થરમારામાં પીપળવા ગામના વિપુલ સોલંકીને માથામાં ગંભીર ઇજા થઈ હતી.
જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાલાલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે બંને જૂથો હોસ્પિટલના પરિસરમાં ફરી એકઠા થયા અને ત્યાં પણ માથાકૂટ શરૂૂ થઈ હતી. 10 મિનિટ સુધી ચાલેલી આ મારામારીમાં કોઈ કોઈનું સાંભળતું નહોતું. પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સીદી બાદશાહ જૂથના ટોળાની સંખ્યા વધુ હોવાથી પરિસ્થિતિ વધુ વિકરાળ બની હતી.
તાલાલા પી.આઈ. જે.એન. ગઢવી વધુ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને ટોળાને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા છે. માથાકૂટના કારણે તાલાલા સિવિલ હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને સારવાર લઈ રહેલા દર્દીઓમાં ડરનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના પરિસરમાં લોકોના ટોળેટોળા એકઠા થવા લાગ્યા હતા, જેનાથી તબીબી કામગીરીમાં પણ વિક્ષેપ થયો હતો.
હાલમાં તાલાલા પોલીસે બંને જૂથોની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. આ જૂથ અથડામણના કારણે શહેરમાં તંગદિલીનો માહોલ છે. આ ઘટનાએ શહેરમાં શાંતિ અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.