ગુજરાતમાં વધુ એક શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના પોરબંદરથી સામે આવી છે, જિલ્લાના મંડેર ગામે સરકારી શાળામાં શિક્ષકે શાળામાં અભ્યાક કરતી એક બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
આ ચોંકાવનારી ઘટનાની જાણ સૌ પ્રથમ શાળાના કેટલાક શિક્ષકોને થઈ હતી. ત્યાર બાદ બાળકીના વાલી શાળાએ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માધવપુર પોલીસ તાત્કાલિક મંડેર ગામે પહોંચી હતી અને આરોપી શિક્ષકની અટકાયત કરી હતી.
આ કૃત્યના સમાચાર ફેલાતાં મંડેર ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આરોપી શિક્ષક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. માધવપુર પોલીસે આરોપી શિક્ષક વિપુલ ગોહેલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેઝ પણ પોલીસે કબજે કર્યા છે.
સમગ્ર જિલ્લામાં આ ઘટનાને લઈને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. શિક્ષણ જગતમાં પણ આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી બાળકીઓ અને કિશોરીઓ પર થતા દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.