સાયલાના મોટી મરસલ ગામમાં સરકારી અનાજનો દુકાનદાર કાળાબજારી કરતા ઝડપાયો
સાયલા તાલુકાના મોટી મોરસલ ગામનો સસ્તા અનાજનો દુકાનદાર સરકારી અનાજની કાળાબજારી કરતા ઝડપાયો છે. દુકાનદાર ચોટીલા યાર્ડમાં અનાજનો જથ્થો વેચવા આવ્યો ત્યારે ચોટીલના ડે. કલેક્ટરે ઝડપી પાડયો હતો.સાયલા તાલુકાના મોટી મોરસલ ગામમાં સસતા અનાજની દુકાન ધરાવતા શૈલેષભાઇ હરજીભાઇ ડાભી સરકારી અનાજનો જથ્થો વિશાલભાઇ વજાભાઇ ડાભી (રહે. મોટી મોરસલ)ના છકડો રિક્ષામાં ભરી કાળાબજારી કરવા ચોટીલા માર્કેટ યાર્ડ આવ્યા છે તેવી બાળતમી ચોટીલના નાયબ કલેક્ટરને મળી હતી. જેના પગલે નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે આજ રોજ 10-45ના રોજ સ્થળ પર પહોંચી બાતમીવાળા છકડામાંથી 15 કટ્ટા ઘઉનો સરકારી અનાજનો જથ્થો અને છકડો વાહન સહિત રૂા.1,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સરકારી અનાજના 15 કટ્ટા ઘઉં ચોટીલાના સરકારી ગોડાઉનમાં અનેે છકડો રિક્ષા ચોટીલા મામલતદાર કચેરીમાં ખસેડવામાં આવેલ હતો.
નાયબ કલેક્ટરની ટીમ દ્વાર સસ્તા અનાજની દુકાનના સંચાલક શૈલેષભાઇ હરજીભાઇ ડાભી (રહે. મોટી મોરસલ)એ સરકારી અનાજના 15 કટાનો કાળાબજાર કરી, ખુલ્લા બજારમાં મોટી કિંમતે વસુલ કરવાના ઇરાદાથી વેચાણ કરી, જાહેર વિતરણ વ્યવસ્થા પ્રતિકુળ અસર પહોચાડવાનું ગેરકાયદેસર કૃત્ય કરેલ હોવાથી તેની સામે લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (ટીપીડીએસ) 2015 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા સાયલા તાલુકાના સસ્તા અનાજના દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવતા સાયલા પુરવઠા વિભાગ, લીંબડી ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.