રીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ
રાત્રે 1 વાગે મોટર સાઇકલ ઉપર આવેલા બે બુકાનીધારી શખ્સો ભડાકા કરી ફરાર થઇ જતા સનસનાટી
પોલીસ ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે શંકા વ્યક્ત કરાતા મામલો ગરમાયો
ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે મોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ રિબડા ગામે આવેલા અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના રિબડા પેટ્રોલિયમની ઓફીસ ઉપર મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા બુકાનીધારી શખસોએ ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનામાં કોઈને ઈજા થઇ નથી. બનાવની પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી છે. આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
આ મામલે પેટ્રોલપંપના કર્મચારી રાજકોટના કોઠારીયા સોલવંટ પાસે રહેતા જાવેદભાઇ રહીમભાઇ ખોખર (ઉ.વ.38) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ ખાતે દોઢેક વર્ષથી ફીલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. ગઇ કાલ મોડી રાત્રીના તે ઓફીસમા બાકડા ઉપર સુતેલ હતો અને મોબાઇલમા ગેમ રમતો હતો અને જગદીશસિંહ બાજુમા આરામ કરવા જતા રહેલ હતા તે દરમ્યાન રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ અચાનક ઓફીસના કાચ ઉપર ફાયરીંગ થયેલ જેથી કાચ તુટી ગોળી અંદર આવેલ અને ઓફીસમા રહેલ મંદિર ના ખુણા ઉપર લાગતા મંદિરનો લાકડાનો ટુકડો તુટી નીચે પડી ગયેલ જેથી જાવેદ તરતજ ઉભો થઇને ઓફીસના દરવાજે આવી જોયુ તો એક મોટર સાયકલ ઉપર બે બુકાનીધારી અજાણ્યા શખ્સો જેણે મોઢા ઉપર રૂૂમાલ બાંધેલ હતા. બન્નેએ જાવેદને જોઇ તેની સામે બંદુક તાકી હતી જેથી જાવેદ ગભરાઇ ગયેલ અને ઓફીસની અંદર દોડી ગયો હતો.
ફાયરીંગનો અવાજ સાંભળીને મેનેજર જગદીશસિંહ ઓફીસના અંદરના રૂૂમમાંથી બહાર આવેલ અને જાવેદને પુછેલ કે શુ થયુ? જેથી જાવેદે કહેલ કે ફાયરીંગ થયુ છે, તેવામાં આ બન્ને અજાણ્યા માણસો પોતાનુ મોટર સાયકલ લઇને નાસી ગયા હતા. બન્ને અજાણ્યા માણસોની ઉંમર આશરે 25-30 વર્ષની અને મધ્યમ બાંધાના જણાતા હતા. ત્યાર બાદ મેનેજર જગદીશસિંહએ પેટ્રોલ પંપના માલીક જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજા તથા રીબડા ગામના સત્યજીતસિંહ જાડેજાને ફોન કરી બનાવની વાત કરતા જયદીપસિંહ અને સત્યજીતસિંહ બન્ને પેટ્રોલપંપ ખાતે દોડી આવ્યા હતા.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.ડી.પરમાર તેમજ એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા સહિતનો સ્ટાફ રીબડા ખાતે દોડી ગયો હતો. આ બનાવનુ અંગે જાવેદભાઇ રહીમભાઇ ખોખરે ફાયરીંગના બનાવ પાછળ જયરાજસિંહ ટેમુભાઇ જાડેજા ગોંડલવાળાએ ફાયરીંગ કરાવ્યું હોય તેવી મને શંકા વ્યક્ત કરી છે.
ભડાકા કરનારને પકડવા રાજકોટ જિલ્લા પોલીસની 8 ટીમો કામે લાગી
રીબડામાં આવેલ અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલપંપ ઉપર બનેલ ફાયરીંગની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હોય, ભડકો કરી બે બુકાનીધારી શખ્સો શાપર તરફ ફરાર થઈ ગયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેના આધારે આરોપીઓની ઓળખ કરવા અને બન્નેને પકડવા માટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. રાજકોટ જીલ્લા પોલીસની 8 ટીમો તપાસમાં જોડાઈ છે. જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ત્રણ ,એસઓજીની બે ઉપરાંત ગોંડલ તાલુકા પોલીસ ત્રણ જેટલી ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી છે.