ગોલમાલ હે ભાઇ સબ ગોલમાલ હે: પરિક્રમામાં આવેલી એક નંબરની બે બસ મળી, ત્રીજી વલસાડમાં ડિટેન થઇ’તી!
રાજયમાં એક તરફ સરકારી તંત્ર આધુનિક સાધનોથી સજજ હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ નાની-નાની બાબતો પર ધ્યાન આપતુ હોવાના સતત દેખાળા કરી રહ્યું છે. પરંતુ મોટી અને ગંભીર ભુલો પર કોઇનું ધ્યાન જતુ નથી તેમજ આરટીઓ અને પોલીસ તંત્ર પણ વાહન ચેકીંગના નામે દેખાળા કરી રહી છે ત્યારે એકજ નંબરની ત્રણ બસ રાજયમાં ફરતી હોવાની ગંધ સુધ્ધા ન આવી!
મળતી વિગતો મુજબ, જૂનાગઢના આરટીઓ એ. બી. પંચાલ અને ટ્રાફિક પીઆઇ વત્સલ સાવજે ગિરનારની પરિક્રમામાં આવતા ભારે વાહનોમાં એકજ નંબર ધરાવતી બે લક્ઝરી બસો જોવા મળતાં બંનેને ડિટેઇન કરી હતી. બંનેનો નંબર જીજે 11 ઝેડ 0663 છે. ખુબીની વાત એ છે કે, આજ નંબરની એક ત્રીજી બસ પણ વલસાડ આરટીઓ કચેરી ખાતે ડિટેઇન થયેલી છે. આમ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમજ વખત એકજ નંબર ધરાવતી 3 લક્ઝરી બસોને આરટીઓએ ડિટેઇન કરી છે. હવે તેના માલિક અને ટેક્સ ચોરીમાં સામેલ તમામ મદદગારો સામે કડક કાર્યવાહી માટેની તજવીજ શરૂૂ કરવામાં આવી છે. તેમજ આ બન્ને બસના માલીકોને બોલાવી તેમના નિવેદન લેવા તજવીજ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.