‘બકરા ચોર’ ગેંગે લોધેશ્ર્વર સોસાયટીમાંથી આઠ બકરા ચોરી 70 હજારમાં વેંચી નાખ્યા’તા
લોધેશ્વર સોસાયટીમાંથી બે માસ પહેલાં આઠ મોટા બકરાની ચોરી કરનાર ગેંગને માલવીયાનગર પોલીસે ઝડપી લીધી હતી. આ ગેંગ દ્વારા કુલ બે વિસ્તારમાંથી બકરા ચોરી કરાયાની કબુલાત આપવામાં આવી છે.ઝડપાયેલા આરોપીઓમાં ભકુલ ઉર્ફે ઠેબો ચૌહાણ, વિક્રમ ચૌહાણ, રાહુલ ઉર્ફે આકાશ ચૌહાણ, નવઘણ સિંધવ અને કિશન સિંધવનો સમાવેશ થાય છે. તમામ - આજી ડેમ ચોકડી પાસે યુવરાજનગર ઝુંપડપટ્ટીમાં રહે છે.
લોધેશ્વર સોસાયટીમાંથી આરોપીઓએ જેના બકરા ચોર્યા તે પરિવાર ગરીબ હતો અને બકરા તેમનાં માટે રોજીરોટીનું સાધન હતા. જેને કારણે આ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ સ્થિતિમાં માલવીયાનગરના પીઆઈ જે.આર. દેસાઈ અને પીએસઆઈ એમ.જે. ધાધલે ઘણાં સીસીટીવી કેમેરા જોઈ, ઘણાં દિવસની તપાસના અંતે આરોપીઓને ઝડપી લીધા હતા.
આરોપીઓ સ્વીફટ કારમાં જઈ બકરા ચોરી કરતા હતા. જે કાર ઉપરાંત બકરા ચોરી કરી મેળવેલા રૂૂા.70 હજાર પણ પોલીસે કબજે કર્યા હતા. પુછપરછમાં આરોપીઓએ બે મહિના પહેલાં પોપટપરા સ્મશાન પાસેથી પણ ત્રણ બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે.આરોપી વિક્રમ સામે ચોરી સહિતના ચાર, આરોપી રાહુલ સામે પણ ચોરી સહિતના ત્રણ અને આરોપી નવઘણ સામે પણ ચોરી સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે.આ કામગીરી પીઆઇ દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાધલ,એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર,અજયભાઈ વિકમા, દિનેશભાઇ બગડા, મનીષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, જયદિપ સિંહ ભટ્ટી, ચિત્રકેતુસિંહ ઝાલા અને અમરદિપસિંહ જાડેજાએ કરી હતી.