નર્સિંગનું સર્ટી. આપવાના બહાને 20 હજાર પડાવી લેતાં યુવતીએ તાવના ટીકડા ખાધા
રેસકોર્સ લવ ગાર્ડનમાં બનેલી ઘટના; ઓનલાઈન જાહેરાત જોઈ યુવતી છેતરપિંડીની જાળમાં ફસાણી
સોશિયલ મીડિયામાં ગઠીયાઓ અવનવી જાહેરાતો મુકી લોકોને છેતરપીંડીની જાળમાં ફસાવી રૂપિયા પડાવી લેતાં હોવાની અનેક ફરિયાદો સામે આવી છે ત્યારે વધુ એક ઘટનામાં શહેરની ભાગોળે પારડીમાં રહેતી યુવતીએ સરસ્વતી પેરામેડીકલની ઓનલાઈન જાહેરાત જોયા બાદ નર્સિંગનું સર્ટીફીકેટ કઢાવવા માટે રૂા.20 હજાર ભર્યા હતાં. પરંતુ રૂપિયા કે સર્ટીફીકેટ નહીં આપી ઓફિસને તાળા મારી ગઠીયો નાસી છુટતા યુવતીએ રેસકોર્સ લવ ગાર્ડનમાં પેરાસિટામોલની ગોળીઓ પી લીધી હતી. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક પારડીમાં રહેતી 23 વર્ષની યુવતી બપોરના દોઢેક વાગ્યાના અરસામાં રેસકોર્સ લવ ગાર્ડન પાસે હતી ત્યારે પેરાસિટામોલની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. યુવતીની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં યુવતીએ સોશ્યલ મીડિયામાં સરસ્વતી પેરામેડીકલની જાહેરાત જોયા બાદ યાજ્ઞીક રોડ પર આવેલી તેની ઓફિસે કૃષ્ણકાંતભાઈ નામના વ્યક્તિને નર્સિંગનું સર્ટીફીકેટ કઢાવવા માટે જરૂરી ડોકયુમેન્ટ અને રૂા.20 હજાર આપ્યા હતાં. પરંતુ રૂા.20 હજાર મેળવી લીધા બાદ નર્સિંગનું સર્ટીફીેકટ નહીં આપી ઓફિસને અલગઢી તાળા મારી દીધા હતાં. જેથી યુવતીએ સર્ટીફીકેટની લાલચમાં રૂા.20 હજાર ગુમાવતાં અને તેની સાથે ફ્રોડ થતાં પેરાસીટામોલના ટીકડા ખાઈ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.