બાઈકમાં હવા પૂરવા બાબતે ગેરેજ સંચાલક પર હુમલો-તોડફોડ
સીસીટીવીમાં તોડફોડ, મકાન સળગાવી નાખવાની ધમકી
જામનગરમાં કોમલ નગર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક ગેરેજ સંચાલક ને માર મારી ધાકધમકી આપવા અંગે તેમજ સીસીટીવી કેમેરા તોડી નાખી મકાનને સળગાવી નાખવાની ધમકી આપવા અંગે બાવરી શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કોમલ નગરમાં રહેતા અને દિગજામ ઓવર બ્રિજ પાસે ગેરેજ ચલાવતા દિનેશભાઈ અરજણભાઈ ધોકીયાને માર મારી તેના ગેરેજમાં પથ્થર મારી સીસીટીવી કેમેરો તોડી નાખવા અંગે તેમજ તેનું મકાન સળગાવી નાખવાની ધમકી આપવા અંગે તે જ વિસ્તારમાં રહેતા બલીયો બાવરી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પોતાનું બાઈક લઈને ગેરેજમાં હવા પુરાવવા માટે આવ્યો હતો, પરંતુ પોતાની પાસે એર કમ્પ્રેસર પંપ ન હોવાનું ગેરેજ સંચાલકે જણાવ્યું હતું, જેથી આરોપી ઉશ્કેરાયો હતો, અને મારકુટ કરી પથ્થર વડે સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતો, અને મકાન પણ સળગાવી નાખવાની ધમકી આપી હતી જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
---