ડીલક્ષ ચોક પાસેથી 41.31 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગંજેરી ઝડપાયો
ચોટીલાથી નશો કરવા લાવ્યાની કબૂલાત : ગાંજો અને સ્કૂટર મળી કુલ રૂા.23,413નો મુદ્દામાલ કબજે
શહેરના સામાકાંઠે આવેલા ડિલક્ષ ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે 41.31 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પેડક રોડ પર રહેતા ગંજેરીને ઝડપી લીધો હતો. પોલીસેે આરોપીની પૂછપરછ કરતા તે ચોટીલાથી નશો કરવા લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ગાંજો અને સ્કૂટર મળી કુલ રૂા.23,413નો મુદ્દમાલ કબજે કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ બીડિવિઝન પીઆઇ એસ.એસ.રાણેના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ્ટેબલ જગદીશભાઇ ધાધણ, નરેશભાઇ ચાવડા, કોન્સ્ટેબલ જગમાલભાઇ જાદવ, વિશ્ર્વજિતસિંહ ઝાલા, સંદીપ અવાડીયા સહિતનો સ્ટાફ ગત રાત્રે ડિલક્ષ ચોકમાં વાહન ચેકિંગમાં હતો દરમિયાન કુવાડવા રોડ તરફથી આવતા સ્કૂટર ચાલક શખ્સ શંકાસ્પદ હાલતમાં લાગતા તેને અટકાવી તલાશી લેતા સ્કૂટરની ડેકી માંથી માદક પર્દાથની થેલી મળી આવી હતી.
જેથી પોલીસે એફએસએલ અધિકારીને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માદક પર્દાથની ચકાસણી કરતા તે ગાંજો હોવાની જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે 41.31 ગ્રામ ગાંજો કિ.રૂા.413 કબજે કરી આરોપી રવિ ઉર્ફે દુડી ભરતભાઇ ગોહેલ રહે. પેડલ રોડ પાણીના ઘોડા પાસેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને ગાંજો પીવાની ટેવ હોય જેથી નશો કરવા માટે આ ગાંજોનો જથ્થો ચોટીલાથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ગાંજો અને સ્કૂટર મળી કુલ રૂા.23,413નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
