સાયલામાં ગાંજાનું ખેતર ઝડપાયું, 2.79 કરોડનો મુદ્દામાલ જપ્ત
12 જીઆરડી જવાનને કામે લગાડી 559 કિલોના 180 છોડ સાથે વાડી માલીકની ધરપકડ કરી
ગાંજાના અમુક છોડ પાસે ધુમાડો કરી મધમાખીને ઉડાડી છોડ કબજે લેવાયા, 19 કલાક સુધી કાર્યવાહી ચાલી !
સુરેન્દ્રનગરના સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. SOGની ટીમે પોણાત્રણ કરોડની કિંમતના છોડ જપ્ત કર્યા છે. ગાંજાનો મદ્દામાલ કબજે કરવા કોથળા પણ ખૂટી પડ્યા હતા. પોલીસે 559 કિલો વજનના લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે સાયલાના ખીટલા ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. SOGની ટીમે સતત 19 કલાક સુધી રેડની કાર્યવાહી કરી હતી. ખેતરમાં ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન GRD જવાનની મદદ લેવામાં આવી હતી. જે ગ્રામ્ય વિસ્તારના હોય અને ખેતીકામથી માહિતગાર હોય તેવા જવાનોની મદદથી ગાંજાના તમામ છોડને ખેતરમાંથી ઉખેડી જપ્ત કરાયા હતા.
ગાંજાના કેટલાક છોડમાં મધ પણ બેસી ગયું હતું, જેથી ધુમાડો કરી મધમાખીઓ ઉડાડીને છોડ કબજે લેવામાં આવ્યા હતા. ગાંજાનો મુદ્દામાલને કબજે લેવા કોથળા ખૂટી પડ્યા હતા. 12 ફૂટ લાંબા ગાંજાના છોડ માટે સીલિંગ પેકિંગ કરવા પ્લાસ્ટિકના 15ડ્ઢ20ના કંતાનનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક આખું ટ્રેક્ટર ભરીને તમામ જથ્થો લઈ જવાયો હતો.
પીએસઆઈ આર.જે. ગોહિલને બાતમી મળી હતી કે સાયલા તાલુકાના ખીટલા ગામના રાજુ ખવડે પોતાની વાડીમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદે રીતે લીલા ગાંજાનું વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમને દરોડા દરમિયાન વાડીમાંથી લીલા ગાંજાના 180 છોડ મળ્યા હતા, જેનું કુલ વજન 559 કિલો 700 ગ્રામ હતું, જેની કિંમત આશરે 2,79,85,000 રૂૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરીને આરોપી રાજુ ખવડની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના DYSP પાર્થ પરમારે જણાવ્યું કે, SOGના PSIને બાતમી મળી હતી કે, સાયલાના રહેવાસી રાજેશ ખવડે ખિતલા ગામમાં પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું છે. જેની આડમાં ગેરકાયદેસરરીતે લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. આ બાતમીને પગલે SOGની ટીમે દરોડા પાડી ગાંજો ઝડપી પાડ્યો હતો. આ મામલે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગાંજાના કેટલાક છોડ તો કપાસના છોડથી પણ મોટા હતા.ઉલ્લેખનીય છે કે ખેતરમાં વિવિધ પાકોની આડમાં ગાંજાનું વાવેતર અવારનવાર ઝડપાય છે. અગાઉ દાહોદ, અમરેલી સહિતના જિલ્લામાંથી પણ ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.