પાટણ હાઈવે પર ટોળકીનો આતંક ત્રણ એસ.ટી.બસ સહિત 8 વાહનો પર પથ્થરમારો
પાટણમાં અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો છે. પાટણ હાઇવે પર બાઇક સવાર કેટલાક તોફાની તત્વોએ હાઇવે પર અવરજવર કરી રહેલી બસો અને ડમ્પરો પર પથ્થરમારો કર્યો હતો. પાટણ-શિહોરી હાઇવે પર ગઇ રાત્રે આઠ વાગ્યાના અરસામાં બાઇક સવારોએ પાટણથી બનાસકાંઠા તરફ જતી GSRTC બસો પર પથ્થરમારો કર્યો હતો, આ ઉપરાંત અમદાવાદથી થરા, અમદાવાદથી દિયોદર જતી અને શામળાજીથી દિયોદર જતી બસોને ટાર્ગેટ બનાવી હતી.
આ ઉપરાંત પાંચ જેટલા ડમ્પરો પર પણ પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટના મામલે એસટી બસના ચાલકે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની વિગતો એવી છે કે, પાટણ જિલ્લાના શિહોરી હાઈવે પર કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક GSRTC ની ત્રણ બસો અને 5 ડમ્પરો પર પથ્થરમારો કર્યો હતો. બાઇક સવાર કેટલાક તોફાની તત્વોના આ કૃત્યથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ પથ્થરમારાના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. આ તમામ બસો પાટણ જિલ્લાથી બનાસકાંઠા તરફ મુસાફરો ભરીને જઈ રહી હતી.
અમદાવાદ થી થરા અને અમદાવાદ થી દિયોદર અને શામળાજી થી દિયોદર તથા શામળાજી પાટણ બસો પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટના રાત્રે 9 વાગે બની હતી. ત્રણ જઝ બસોમાં કુલ 80 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે કોઈ મુસાફરને ગંભીર ઇજા થઈ નથી. બસોને સરસ્વતી તાલુકાના ડેપોમાં મોડી રાત્રે સલામત રીતે ખસેડવામાં આવી હતી. સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી માટે તપાસ હાથ શરુ કરી છે.