માંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરાર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુખ્ય બજારમાં આવેલી એક સોનીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે 1,97,640ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
માંગરોળના ટાવર પાસે રહેતા અને લીમડા ચોક નજીક એસ.પી. જવેલર્સ નામની દુકાન ધરાવતા ફરિયાદી શ્યામ પરેશભાઈ રાજપરા (ઉંમર 25) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત 11 ઓક્ટોબરના બપોરના સમયે માથામાં સફેદ કલરની ટોપી પહેરેલો આશરે 30થી 40 વર્ષની ઉંમરનો એક અજાણ્યો હિન્દી ભાષી પુરુષ ગ્રાહક બનીને દુકાને આવ્યો હતો. તેણે કાનમાં પહેરવાના સોનાના બુટી લટકણ બતાવવા કહ્યું હતું.
સોનીએ તેને સોનાના બુટી લટકણની 6 જોડી બતાવી, ત્યારે દુકાનદાર શ્યામભાઈ જ્યારે દાગીનાની બીજી ડિઝાઇન બતાવતા હતા, ત્યારે આ ઠગે ચતુરાઈથી થડામાંથી એક દાગીનાનું પડીકું પોતાના હાથમાં લઈ લીધું હતું. જેવી દુકાનદારે પેટી પાછી મૂકવા માટે નજર ફેરવી, તે જ સમયે આરોપી કોઈને કઈ કહ્યા વગર પડીકું લઈને ફરાર થઈ ગયો હતો. જેનું વજન આશરે 18 ગ્રામ 190 મિલિગ્રામ, જેની કિંમત આશરે 1,97,640 જેટલી થતી હતી.
ચોરીની ઘટના સમયે દુકાન એસ.પી. જવેલર્સના સીસીટીવી કેમેરા લાઈટ ન હોવાના કારણે બંધ હતા. આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (ઇગઅજ ) 2023ની કલમ 305(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ હિન્દી ભાષી આરોપી અને તેના સાથીદારને ઓળખી કાઢવા અને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
