બોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇ
ટોળકી સ્ત્રીના વેશમાં ગુનાને અંજામ આપતી હતી, 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
બોટાદ જિલ્લાના ઢસા પોલીસે લૂંટની યોજના બનાવી રહેલી એક ખતરનાક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે ફોરવ્હીલર કાર, છરીઓ અને સ્ત્રીઓના પોશાકો સહિત કુલ ₹6.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે છ શખસોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.
ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી. ડી. આહિર અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ આંગડિયા પેઢી કે જ્વેલર્સ જેવી હાઈ વેલ્યુ ટાર્ગેટ પર લૂંટ કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. પકડાયેલા શખસો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.પોલીસ નાઈટ રાઉન્ડ દરમિયાન ઢસા ગામના રસનાળ રોડ નજીકથી એક સફેદ રંગની મારૂૂતિ સુઝુકી બ્રેઝા કાર શંકાસ્પદ હાલતમાં ઊભેલી જોવા મળી હતી. પોલીસે તાત્કાલિક કારની તપાસ કરતા તેમાં બેઠેલા ચાર શખસો ગલ્લા તલ્લા કરતા જણાયા હતા. તેમની પૂછપરછ દરમિયાન તેઓ વોટ્સએપ દ્વારા અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું. આ માહિતીના આધારે, પોલીસે તાત્કાલિક બીજી ટીમને ઉમરડા રોડ પર મોકલી.
ત્યાંથી એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર અને તેમાં બેઠેલા અન્ય બે શખસોને પણ ઝડપી લેવામાં આવ્યા. આમ, પોલીસે કુલ છ આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે પૂર્વ આયોજન સાથે કાર્યરત હતા. તેઓ જુદા જુદા સ્થળોના રહેવાસી હોવા છતાં એકબીજાના સંપર્કમાં રહી, જુદી જુદી કારોમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિસ્તારમાં રેકી કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી છરી, લોખંડની લાકડી, સ્ટીલનું પંચ અને સ્ત્રીઓના વેશભૂષા જેવા કપડાં (બુરખા, દુપટા) પણ જપ્ત કર્યા છે.
આ વસ્તુઓનો ઉપયોગ લોકોને ભ્રમિત કરવા કે ઓળખ છુપાવવા માટે થતો હોવાની શંકા છે. પકડાયેલા આરોપીઓમાં મેહુલસિંહ જશુભા ડાભી (ઉં.વ. 25, રહે. પેથાપુર, ગાંધીનગર), ચરણભા ઉર્ફે લાલભા વાઘેલા (ઉં.વ. 28, રહે. આંગનવાડા ગામ, બનાસકાંઠા), દીવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ રાજપુત (ઉં.વ. 21, રહે. ચંદ્રાવતી, પાટણ), મંગુભા દશુભા જાલા (ઉં.વ. 28, રહે. આંગનવાડા, બનાસકાંઠા), દિપકસિંહ ડાભી (ઉં.વ. 29, રહે. પેથાપુર, ગાંધીનગર) અને વિશાલસિંહ હીરસિંહ પરમાર (ઉં.વ. 24, રહે. પેથાપુર, ગાંધીનગર) નો સમાવેશ થાય છે.